રોજ અરીસા સામે ઉભો રહું ને તારો અણસાર લાગે છે,
ભલે આપ કહી નથી શકતા, તમને પણ પ્યાર લાગે છે.
તમામ વૈદ્ય હકીમોની બતાવી છે મેં મારા હાથની રગને,
તમારા માત્ર સ્પર્શમાં મારા દિલના દર્દનો ઉપચાર લાગે છે.
ખાનગીમાં મળ્યા અને ન કહી શક્યો તે લખ્યું કાગળ પર,
અને આ ગઝલનો પણ મારી પર મોટો ઉપકાર લાગે છે.
લખાતેલ મારા પત્રોના હજુ સુધી ઉત્તર મળ્યા નથી મને,
હું નહિ તો શુ થયું મારી ગઝલો તેમને સ્વીકાર લાગે છે.
ઢોળી નાખી મેં મહેફિલમાં તમામ શરાબ હતી મોંઘમ,
તારી આ આંખોના નશાની ઝલક મને પારાવાર લાગે છે.
એ હજુ પણ નીકળે છે એ રસ્તે, મારી સામે જોયા વગર,
પ્રણયની સાથે મનમાં શંકાના વાદળો બે - ચાર લાગે છે.
એ અંતિમ દર્શન મેં કર્યા હતા, તેમની વિદાય વેળાએ,
માંડ આંખો ઊંચી કરી હતી, જાણે બંધનનો ભાર લાગે છે.
ગયા એ અને રૂંધાઇ ગઈ હતી બધી મારા ગામની ગલી,
હતા અવાજ તેના પાયલના, ત્યાં હવે હાહાકાર લાગે છે.
યૌવન ગામનું જાણે લૂંટાય ગયું હોય, ભર જવાનીમાં,
યુવાનો હસી એ રીતે રહ્યા છે જાણે અશ્રુધાર લાગે છે.
મનોજ તેના આવવાથી મહેકી ઉઠતું હતું આ ઉપવન,
વર્ષો થયા તમને જોયા નથી, ને આ બાગમાં ખાર લાગે છે.
મનોજ સંતોકી માનસ