...#.... (૨)પુંસવન સંસ્કાર...#....
આજે આપણે જાણીશું દ્વિતિય સંસ્કાર એવા "પુંસવન સંસ્કાર" વિશે...
દરેકે દરેક દંપતીની એક મહેચ્છા તો હોય જ છે કે, એમને ત્યાં પુત્રનું અવતરણ થાય. જે એમને "પુ" નામના નર્કમાંથી ઉગારે,અને એમનો વંશવેલો આગળ વધારે.એટલે તેઓ ઇશ્વર પાસે પુત્ર રત્નની કામના કરતા હોય છે.
ગર્ભધારણનો નિશ્ચય થઇ ગયા પછી બીજા કે ત્રીજા મહિને ગર્ભસ્થ શિશુનું ‘પુંસવન’ નામના સંસ્કારથી સિંચન કરવામાં આવે છે. પુસંવન શબ્દનો અર્થ ‘બાળકને જન્મ આપવો’ એવો થાય છે. બાળકમાં પણ નર બાળક બનવા તથા જ્ઞાનોદયના પ્રતિરોધને દૂર કરવા આ સંસ્કાર કરવામાં આવે છે.
પુંસવન સંસ્કારમાં બે ક્રિયા મહત્ત્વની હોય છે. પ્રથમ વૈદિક મંત્રો દ્વારા ગર્ભસ્થ શિશુ પુત્રરુપે અવતરે તથા બીજુ ગર્ભનું સારી રીતે પોષણ થાય એવા હેતુથી વિવિધ ઔષધીઓનું સેવન કરાવવું.
* પુંસવન સંસ્કારનો વિધિ મંત્ર :-
पुमानग्निः पुमानिन्द्रः पुमान् देवो बृहस्पतिः ।
पुमांसं पुत्रं विन्दस्व तं पुमान्नु जायताम् ।।
અર્થાત્ અગ્નિદેવ પુરુષ છે, દેવરાજ ઇન્દ્ર પુરુષ છે, દેવગુરુ બૃહસ્પતિ પણ પુરુષ છે. તેમ તને પણ પુરુષત્ત્વયુક્ત પુત્ર ઉત્પન્ન થાઓ.
યજુર્વેદમાં કહ્યું છે, કે શુભ મંગલમય વાતાવરણમાં વેદાદિ શાસ્ત્રોનો પાઠ કરી, ગણપતિ આદિ દેવતાઓનું પૂજન કરી વડલાના નવા અંકુરિત થયેલા પાંદડાઓ તથા દર્ભને પાણી સાથે વાટવું. ત્યારબાદ તૈયાર થયેલ એ ઔષધને પતિએ ગર્ભિણી સ્ત્રીના ડાબા નાક દ્વારા પીવડાવી નીચેનો મંત્ર બોલવો...
हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत ।
स दाधार पृथिवीं द्यामुतेमां कस्मै देवाय हविषा विधेम ।।
ગર્ભસ્થ શિશુ ત્રણ માસ સુધી કેવળ એક પીંડ (માંસનો લોચો) હોય છે. ચોથા મહીના બાદ એ ગર્ભમાં સ્ત્રી-પુરુષના અંગોનું સર્જન થાય છે. એ સમયે સગર્ભા સ્ત્રી, પોતાનું બાળક સંપૂર્ણ સ્વસ્થ, બળવાન અને પુત્રરુપે પ્રગટે એવી દેવોને પ્રાર્થના કરે છે. ઉપરાંત આ સંસ્કાર વખતે સગર્ભા સ્ત્રીને વિવિધ ઔષધિઓનું સેવન કરાવવામાં આવે છે, જેથી બાળકના શરીરનો બાંધો સુદૃઢ અને તંદુરસ્ત બને.
આ સંસ્કારની વિધિમાં ગર્ભિણી સ્ત્રીએ એ દિવસે ઉપવાસ કરવાનો હોય છે. નવા વસ્ત્રો ધારણ કરી વૈદ્યની યોગ્ય સલાહ પ્રમાણે વેદના મંત્રોના ગાન-પ્રાર્થના સાથે ઔષધિઓનું પાન કરવાનું હોય છે.
ગર્ભસ્થ શિશુની મંગલકામના માટે દેવોની કરેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. પ્રસન્ન થયેલા દેવો ગર્ભની રક્ષા કરે છે અને ઔષધિઓના સેવનથી ગર્ભ નિરોગી રહે છે.
પુંસવન સંસ્કારને ધર્મગ્રંથોમાં વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે જન્મ થનાર બાળકના ઘડતર ઉપર આ સમયે શુભ-અશુભ સંસ્કારની વધારે અસરો પડતી હોય છે. માટે જ આ સંસ્કાર સમયે તથા ત્યારબાદ વેદમંત્રોનું ગાન તથા પ્રાર્થના કરવા ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે.
આધુનિક સમયમાં પુત્ર અને પુત્રી બન્ને પ્રત્યે સમાનભાવ વિકાસ પામ્યો છે, તે કેળવણીની ઉત્તમ નિશાની છે. દીકરીઓ પણ પરિવારને-સમાજને નવી દિશા આપી ગૌવરાંગવીત કરે છે. આજે દરેક ક્ષેત્રે દીકરીઓ પોતાનું ઉત્તમ સ્થાન બનાવી રહી છે, ત્યારે ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય એ જ પુંસવન સંસ્કારનો હેતુ છે. પછી એ પુત્ર હોય કે પુત્રી હોય.
સાર :- વેદાભ્યાસ અને મારા અનુભવે એક વાત રાખું છું કે," આ સંસ્કાર આપતી વખતે દરેક સગર્ભા સ્ત્રીએ એવી મહેચ્છા રાખવી કે એમનું સંતાન સર્વગુણ સંપન્ન હો,પછી એ પુત્ર હોય કે પુત્રી. કારણ કે સંસ્કારી પુત્ર આવશે તો "પુ"નામના નર્કમાંથી બચાવશે અને જો પુત્રી આવશે તો નર્કની યાત્રા જ ટળી જશે."
શુભસ્તુ....
આવતી પોસ્ટમાં આપણે જાણીશું તૃતીય સંસ્કાર એવા "સીમન્તોન્નયન સંસ્કાર" વિશે...
ત્યાં લગી સૌને,
જય ભોળાનાથ...
હર હર મહાદેવ... હર....