મણકો ૧૦૪
પ્રાર્થના
હે યુગ પુરુષ,
વૈશાખની સાંજ છે, કાળઝાળ લૂ ચૂપચાપ સહ્યા કરી છે.આ ઉનાળામાં
પણ સોનેરી ગરમાળો,લાલચટ્ટક
ગુલમ્હોર અને મોગરા ખીલે છે એ તારી અઢળક કૃપા.આ મોગરા ના
શ્વેત ફૂલો. મીરાંનાં વસ્ત્રોમાંથી બન્યાં
હોય એવાં, મોગરાની સુવાસ માદક કે ઉત્તેજક નથી, ચંપાની સુવાસ બહુ
બૉલકી છે,મોગરાની સુવાસ શાંત છે,
ઠરેલ છે. લૂ સહન કર્યા પછી માણસનું કે ફૂલનું આવું જ થાય. આ
મોગરાના ફૂલ તારે માટે મેં સાચવી
રાખ્યાં છે. રાતના કાળા અંધકારમાં
મોગરાનો શ્વેત રંગ મહેકી ઉઠશે. મન
ગૂંથ્યા કરે છે મનમાં ને મનમાં તારા
માટે મોગરાની માળા.કાળઝાળ લૂ
સહન કર્યા પછી આંસુને મોગરાનું
નામ આપી શકાય કે નહીં? માળા તો
ગૂંથ્યા કરું છું પણ એ મોગરાની છે કે
આંસુની એ તું નક્કી કરજે. આંસુને
પણ પોતાની એક સુગંધ હોય છે.
લોકો તને શા માટે અવારનવાર વગોવે છે એ જ મને સમજાતું નથી.
આંખમાં આંસુ આવે છે ત્યારે ફરિયાદ
કરે છે - પણ એ વાત ભૂલી જાય છે કે હોઠ પર સ્મિત ફરકાવનાર પણ તું
જ હતો.તાપ અને સંતાપ વેઠાતો નથી ત્યારે અસહ્ય અને અસહાય થઈને ચીસ પાડે છે - પણ ચાંદનીનું
સરોવર રચી આપનાર પણ તું જ હતો એ વાતનું વિસ્મરણ કેમ થઈ જતું હશે? બગીચાને ભૂલી જઈને રણ
ને યાદ રાખીએ,જીવન ભૂલી જઈને
મરણની જ વાત કરીએ તો એમાં વાંક કોનો? તારી સંજીવની શક્તિથી તું અમને - મનના માયકાંગલાઓને
- મડદાંઓને ફરીથી માણસ કર. તારી વગોવણી ખુબ કરી. તારી સ્તુતિ
કરવાનો હવે અવસર તો આપ.
ઘનશ્યામ વ્યાસ
સૌજન્ય મારું પ્રાર્થના વિશ્વ
સુરેશ દલાલ.