"પસ્તાવો હંમેશાં બોલાયેલા શબ્દોનો જ નથી હોતો પરંતુ ક્યારેક યોગ્ય સમયે શબ્દોને ના બોલીને પણ પૂરી જિંદગી પસ્તાવો રહેતો હોય છે!!!"
બોલવાનું મીઠું અને કડવું બંને બાજુનું હોય છે. જેમની વાણી મીઠી હોય છે તે બધાને પસંદ હોય છે. એવા પણ લોકો હોય છે જે મોઢા પર સાચું કહી દેતા હોય છે તે લોકો બીજાને પસંદ નથી આવતા. જ્યારે ઘણા એવા પણ હોય છે જે પોતે તો બિન્દાસ સાચું કહી દે છે પણ જો સામેવાળા એવું કરે તે તેમને નથી ગમતું હોતું. કારણ કે દરેકને પોતાનો વાંક માની લેવાની ટેવ નથી હોતી. અને માટે જ એક જ વ્યક્તિમાં બે અલગ રૂપ જોવા મળતા હોય છે. જે પોતે તો બિન્દાસ કહી દેનાર હોય છે પરંતુ વાત જ્યારે પોતાની આવે ત્યારે તે સાંભળી નથી શકતા.
હવે વાત એ આવે છે કે ઘણા લોકો સમય સંજોગને જોયા વગર જ કંઈ પણ બોલી જતા હોય છે. અને તેમની આ જ ટેવ બીજાના માટે આફતરૂપ સાબિત થાય છે. પોતાના બોલવા ઉપર હંમેશા કંટ્રોલ રાખવો બહુ જરૂરી છે. ગમે ત્યારે કોઈ પણ સમયે કંઈ પણ બોલી દેવું તે યોગ્ય નથી. અને ઘણીવાર તો એવું બોલાય જાય છે કે તેના માટે પાછળથી ખૂબ જ પસ્તાવો થાય છે. તે સમયને ન સાચવી શકવા માટે ખૂબ જ દુઃખ થાય છે. પણ હવે પસ્તાવો કરીને કોઈ જ મતલબ હોતો નથી. કારણકે જે સમયે જે થવાનું હતું તે થઈ ગયું. હવે પસ્તાવાથી તે કરેલું બદલાય તો નથી જવાનું. માટે જ જે તે સમયે શું બોલવાનું હોય છે તે બહુ ધ્યાન રાખવું પડે છે. જે બોલી ગયા એ શબ્દો હવે પાછા નથી લઈ શકવાના.કારણ કે એક વાર મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી જતા. અને પાછળથી તેનું ખૂબ જ દુઃખ થાય છે પણ કંઈ જ કરી નથી શકતા સિવાય કે તેનો પસ્તાવો થાય.
હવે બીજી રીતે જોઈએ તો એવું પણ બને છે કે ઘણી વ્યક્તિ યોગ્ય સમયે બોલી નથી શકતી. પોતાની વાત કહી શકતી નથી. અને સમય જ્યારે જતો રહે છે ત્યારે આ ના બોલાયેલી વાત માટે તેને અફસોસ થાય છે. માટે અમુક વાતો જે સમયે કરવાની હોય છે એ કરવી જરૂરી છે. પણ વ્યક્તિ તેના સ્વભાવને કારણે બોલી નથી શકતા. સામેવાળાને ખરાબ લાગશે એવું સમજીને પણ તે ઘણી વાર ચૂપ રહે છે. અને તેમની આ જ કમજોરી તેમને બોલતા અટકાવે છે. અને પછી તેના જ માટે જિંદગીભરનો પસ્તાવો રહી જાય છે. માટે અમુક દિલની વાતો જે કહેવાની જરૂર હતી તેના માટે રાહ જોવાની નથી હોતી. કારણ કે જે વાત મહત્વની હોય છે તે યોગ્ય સમયે કરવી જરૂરી છે. પાછળથી તેનું કોઈ જ મહત્વ રહેતું નથી. એ પછી પસ્તાવો કરીને પણ પોતાને જ દુઃખ થાય છે.
તો આવું હોય છે કે ઘણીવાર ના કહેવાના શબ્દો કહેવાય છે અને ઘણી વાતો કહેવાની હોય છે બોલી નથી શકાતું. માટે પાછળથી અફસોસ રહી જાય છે કે જ્યાં નહતું બોલવાનું ત્યાં બોલી દીધું.અને જે સમયે બોલવાનું હતું ત્યાં ના બોલી શક્યા.