🌸 હેપી આઈસ્ક્રીમ ડે😁🙏
ગુજરાતી ગૃહિણી વિવિધ, રસ મધુર , રસપ્રચુર વાનગીનો રસથાળ બનાવવામાં નિપુણ , તો કેટલીક વાનગીઓ જમવા માટેના દિવસો પણ આપણે ત્યાં નક્કી કરી નાખ્યા છે .ઉત્તરાયણે ઊંધિયું -જલેબી -પુરી , હોળીએ લાડુ , દશેરાએ ફાફડા જલેબી તો ,તો કાળી ચૌદશે દરેક રસોડે ખીર -વડા જ રંધાય .પણ આ અમેરિકનો ? કંઈ નક્કી જ નહીં , સ્ટોપ એન્ડ શોપ માંથી લાવેલા ડબલા ખાલી કરી પેટ ભરે. પાસ્તા અને પીઝા , બર્ગર અને બરીટો , કે પછી ટાકો ,ફાવે ત્યારે ખાય કોઈ દિવસ જ નક્કી નહીં . ભલું થજો -પ્રસિડેન્ટ રોનાલ્ડ રેગન નું , એમણે 1984ના જુલાઈમાં હુકમ ફાડ્યો -" હવેથી જુલાઈ માસ અમેરિકામાં નેશનલ આઈસ્ક્રીમ માસ અને જુલાઈનો ત્રીજો રવિવાર નેશનલ આઈસ્ક્રીમ ડે તરીકે ઉજવવો." જુલાઈમાં અત્રે ગરમીનો પ્રકોપ જોરદાર હોય છે , આ દિવસોમાં થર્મોમીટરનો પારો વર્ષમાં સૌથી ઊંચો હોય . ગરમીથી કંટાળેલી આ પ્રજા , રેગનના ઢાંઢેરાથી રાજીના રેડ ! પ્રેસિડેન્ટ નો હુકમ પણ આઈસ્ક્રીમ કંપનીનું કામ થઈ ગયું . વ્હાઇટ હાઉસના વડીલનો નિર્ણય પ્રજા એ હોંશે હોંશે વધાવી લીધો , સ્વીકારવો જ જોઈએ ને ?
અમેરિકામાં આઈસ્ક્રીમ નું માર્કેટ મોટું.બાસ્કિન રોબિન્સ ,બ્રુસ્ટર , બર્ગરકિંગ ,ડેરીડેન -જેવી અનેક મોટી કંપની , આ દિવસે નવી પ્રોડક્ટ લોન્ચ કરે, મોટી જાહેરાતો આપે ,પ્રોડક્ટ વિશે પેપરમાં ચર્ચા થાય - ડિસ્કાઉન્ટ આપે તો કોઈ વળી સ્પર્ધા રાખે ! બ્રૂસ્ટર કંપનીએ આ વર્ષે જાહેરાત કરી કે તેમની પ્રોડક્ટ ખાતા હોય તેવો ફોટો સ્પર્ધામાં મોકલે- પ્રથમ આવે તેને આખું વર્ષ ફ્રી આઈસકિમ ( નિશ્ચિત માત્રામાં ) મળશે અરે સેંસોડાઇન જેવી ટૂથપેસ્ટ કંપની પણ સ્પર્ધા રાખે છે ! ! આઈસ્ક્રીમ આરોગો અને સેંસોડાઇન વાપરો. ( જેથી દાંત કળે નહીં ) . લોકો આઈસ્ક્રીમ પાર્ટી રાખે કે મિત્રો કે સગા-સંબંધીને આઈસક્રીમ ભેટ મોકલે.( મહેશકાંત વસાવડા )
..અને આથી અમેરિકન દુનિયામાં આઈસક્રીમ ખાવામાં બીજે નંબરે આવે છે ( પહેલો નંબર ન્યુઝીલેન્ડ નો છે ) માણસ દીઠ અત્રે 21 લીટર આઈસ્ક્રેઈ એક વર્ષમાં વપરાય છે - ત્યારે ભારતમાં વાર્ષિક માણસ દીઠ અડધો લીટર પણ વપરાશ નથી . અલબત્ત ડેરી પ્રોડક્ટમાં ભારતનું નામ આગલી હરોળમાં છે . આપણે પેંડા , રસમલાઈ , દૂધપાક ,ખીર બાસુંદી માવાની વિવિધ મીઠાઈ ના રસિયા હોઈએ પછી આઈસ્ક્રીમ યાદ ક્યાંથી આવે ?
પણ આ પીંજણનું આજે કોઈ પ્રયોજન ? છે સ્તો , યાદ આવ્યું ? આજે જુલાઈ નો ત્રીજો રવિવાર છે -અને આ દિવસ એટલે અમેરિકન માટે નેશનલ આઈસ ક્રીમ ડે -- આજે નાના મોટા સૌ અમેરિકન આઈસ્ક્રીમ ની મજા માણશે ..હેપી આઈસ્ક્રીમ ડે ટુ અમેરિકન્સ
તો ભારતમાં પણ હો જાય ,-એક એક કપ . આપણી પાસે પણ અમુલ .હેવમોર વાડીલાલ , મધર ડેરી , બાસ્કિન રોબિન્સ, અરુણ , ક્રીમબેલ જેવી અનેક પ્રોડકટ મળે જ છે ને ? અને બફારો ક્યાં અત્યારે ઓછો છે ?
મહેશકાંત વસાવડા
18-7-21