'' *એક દિવ્ય આત્મા ને એમની જ ગઝલ સાથે શ્રધ્ધાંજલી આપવા નો નાનકડો પ્રયાસ* '' 🙏🙏
1) જિંદગી ઓછી મળી
એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.
ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.
એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !
પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !
ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !
નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.
હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.
– શ્રી ખલીલ ધનતેજવી સાહેબ
2) મારગ
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.
હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી
રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.
– શ્રી ખલીલ ધનતેજવી સાહેબ
3) આંખોમાં હું સમાયો છું
એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!
આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!
નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!
જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!
એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!
એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!
મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,
એટલી નામના કમાયો છું!
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ
4) હું થાક્યો નથી
વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ
5)ઘોર અંધારામાં
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
–શ્રી ખલીલ ધનતેજવી સાહેબ