લધુકથા : બારી
રોહન સાથેના મસમોટા ઝધડાથી કંટાળી શિવાની રૂમમાં જતી રહી અને રુમને અંદરથી બંધ કરી દીધો.
પોતાને પોતાની જાત સાથે કેદ કરી તે ઘણાં પ્રશ્નોના જવાબ મેળવવા માંગે છે.
જીવનના પાછલા પાના ઉથલાવતાં - ઉથલાવતાં તેની સામે બસ એક જ પ્રશ્ન આવે છે કે, “મારી ભૂલ ક્યાં રહી ગઈ?”
“જયારે વ્યક્તિને ફરિયાદ અને પ્રશ્નો પોતાનાથી હોય ને ત્યારે વ્યક્તિએ ભાગવાની નહીં પણ જાગવાની જરૂર હોય છે”.
બધા પ્રશ્નોના જવાબ શોધવામાં શિવાનીને ક્યારે ઊંઘ આવી ગઈ, તેને ખબર જ ના રહી.
સવારે ઉઠીને પણ તેને રોહન માટે બંધ કરેલો દરવાજો ખોલવાની ઈચ્છા ના થઈ. હા, તેનો ગુસ્સો તો શાંત થઈ ગયો હતો પણ તે મનમાં રહેલું દુઃખ હજું ત્યાં જ હતું.
અચાનક તેની નજર રુમની એક બંઘ બારી પર પડી. આ બારી ધણા સમયથી બંધ જ રાખી હતી કારણકે બંનેમાંથી કોઇએ તે બારી ખોલવાનો પ્રયત્ન જ કર્યો નહતો. આજે શિવાનીની નજર આ બારી પર પડી તો તેને થયું કે આજે તો આ બારી ખોલીને જ રહીશ.
ધણા પ્રયત્નો પછી જેવી બારી ખુલ્લી કે રુમમાં ચારેતરફ સવારનો કૂણો તડકો ફેલાય ગયો અને એકાએક આ બારી ખુલતા જ જાણે શિવાની માટે પણ તેના બંધ કરેલા દરવાજા ખુલ્લી ગયા. તે ધણીવાર બસ ત્યા એમ જ ઊભી રહી અને તેના અને રોહનના લગ્નના શરૂઆતના દિવસોને યાદ કરતી રહી અને વિચારતી રહી કે સમય જતાં સંબંધ મજબૂત થવો જોઈએ ને તેની જગ્યાએ અમારો સંબંધ તો દિવસે-દિવસે નબળો કેમ પડી રહ્યો છે?
અચાનક શું થયું ખબર નહીં શિવાનીએ મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય હું મારા સંબંધને ઢીલો નહીં પડવા દઉં.
સંબંધ “આપણો”છે તો પ્રયત્ન પણ “આપણો” જ હોવો જોઈએ. ધણી પરિસ્થિતિ તમારા પ્રયત્નો નહીં પણ તમારો સમય માંગે છે. દરવાજો બંધ કરી દેવાથી સમસ્યા જ નહીં પણ તેના સમાધાન પણ આવતા અટકી જાય છે. તો સમસ્યાના સમાધાન માટે દરવાજો તો ખોલવો જ રહ્યો.
તેને થયું કે જાણે આજે આટલા સમયે આ બારી મારા મનના બંધ દરવાજા ખોલવા અને મારા જીવનમાં એક નવું અંજવાળું લાવવા જ જાણે ખુલ્લી હોય. શિવાની જલ્દીથી રુમનો બંધ દરવાજો ખોલવા દોડી ગઈ.
- મોનિકા તન્ના (શબ્દયાત્રા)