'Interpretation of melodies' - પુસ્તક પરિચય
ઝુંપા લાહીરી, એક બંગાળી અને યુ. એસ. માં રહી મોટી થયેલી લેખિકા દ્વારા લખાયેલો વાર્તાસંગ્રહ.
કુલ ત્રણ એકી બેઠકો, દરેક બે કલાકની- તેમાં વાંચી પૂરો કરેલો વાર્તાસંગ્રહ.
'70 ના દસકાનાં વાતાવરણમાં, બોસ્ટન યુ.એસ. અને કલકત્તા આસપાસની પાર્શ્વભૂમિ પર લખાયેલી વાર્તાઓ આ સંગ્રહમાં છે. દરેક તમને જકડી રાખે તેવી છે.
વાર્તાઓનાં પાત્રોનું વર્તન, તેમનાં ઘરનું વાતાવરણ, તેમની જિંદગી અને સંસ્કૃતિ એ બધું ચાર દાયકા પહેલાંનાં વાતાવરણને આવરી લઈ લખાયેલું હોઈ આજથી ચાર, પાંચ કે વધુ દસકા પહેલાં જન્મેલાઓને તેમની યાદો તાજી કરાવશે અને એ પછી જન્મેલાઓને એ વખતનાં કલ્ચરનો પરિચય કરાવશે. જેમ કે પૃથ્વીના બીજે છેડેથી પતિ સાથે રહેવા આવતી નવપરિણીતાનો પતિ હાથ પણ પકડતો નથી અને એ કહે છે કે મેં ન બીજાઓની જેમ આલિંગન આપ્યું ન ચુંબન કર્યું. કે એપાર્ટમેન્ટમાં કાંઈક પણ બનતાં બધાં ભેગાં થઈ જાય છે કે લંડન ના રસ્તા પર સાડીનો છેડો ધસડાતો રાખી ચાલતી સ્ત્રીની સાડી કોઈનો પાળીતો કૂતરો ખેંચે છે કે પ્રથમ વખત જોયેલા પોર્ટેબલ અને તુરત પિક્ચર લેતા કેમેરા પર ફોટો લઈ પત્ની પોતાનાં પિયરને એરમેઇલમાં મોકલે છે. માનવે ચંદ્ર પર પગ મૂક્યો તે ઘટના પ્લેન ઉતરતાં પાઇલોટ એનાઉન્સ કરે છે અને પેસેન્જરો કીકીયારી પાડી વધાવે છે અને બીજી વાર્તામાં એક 100 વર્ષની વૃદ્ધા વારંવાર 'બોલો, ચંદ્ર પર આપણો ધ્વજ લહેરાયો' એમ જ બોલ્યા કરે છે. ભારત હોય કે યુ.એસ., દુનિયા કેટલી બદલાઈ ગઈ છે તેનો ચિતાર આ વાર્તાઓના પ્રવાહ સાથે વહેતાં મળે છે.
દરેક પ્લોટમાં વૈવિધ્ય છે. મૂળ બંગાળી, અને પાછી સ્ત્રી લેખકે લખી હોઈ ઘણી ખરી વાર્તાઓ આપણામાંના લાગણીસભર ખુણાઓને ઢંઢોળે છે. ખાસ તો વાર્તાઓના અંતમાં.
અને એ પાત્રો કોણ છે? કોઈ ટુરિસ્ટ ગાઈડ, કોઈ બંગાળી મહેમાન વિદેશમાં બીજા બંગાળીને ત્યાં જમવા આવતો હોય, કોઈ નવું પરણેલું હિંદુ યુગલ જેનાં યુ.એસ. નાં નવાં ઘરમાં બધી ખ્રિસ્તી ધર્મની જ ચીજો મળ્યા કરે છે, એક એકાંકી જીવન જીવતી 103 વર્ષની મકાનમાલિકણ જેને દર શુક્રવારે ભાડું આપવાનું રહે છે, માધ્યમ વર્ગના લોકોનાં બિલ્ડીંગની રખેવાળી કરી એક.ખૂણે પડી રહેતી અશક્ત વૃદ્ધા, એક લગભગ માનસિક રીતે અસ્વસ્થ એકાંકી જીવન ગાળતી સ્ત્રી ઓચિંતી ગર્ભવતી બને છે- આ પ્રકારનાં પાત્રો અંદરથી સ્પર્શી જાય છે.
આ બુક આંતરરાષ્ટ્રીય પુલિત્ઝર પારિતોષિક વિજેતા છે.
જરૂર વસાવીને વાંચવા જેવી.
-સુનીલ અંજારીયા