'નિરાંતે સુઈ જજે', આમ રોજ રાતે કહીને
એક રીતે તુૃં સજા કરે છે મને
દિવસ આખો કેટલો વ્યસ્ત વીતી જાય છે
અલપ-ઝલપ એમાં બસ તુૃં આવે છે ને જતો રહે છે
તને તીવ્રતાથી અનુભવવા એક રાત જ તો હોય છે !
ને આ રાતમાં...
બરાબર બાજુમાં સીધા ગોઠવેલા તકિયામાં
તારું આરોપણ કરું છું હું
ક્યારેક એની લીસ્સી-ખરબચડી કિનારો પર મારાં ટેરવાં ફેરવું છું ત્યારે
જાણે હસી પડે છે તું, ને કહી ઉઠે છે, 'એય ! રહેવા દે, મને ગલી થાય છે...'
ક્યારેક એની સપાટી પર મારો પંજો ફરે છે ને તારી ભરાવદાર છાતીનો મને ભ્રમ થાય છે, ખુબસૂરત ભ્રમ.
ને એ જ ઊંચી સપાટી પર માથું ઢાળી મને સૂઈ જવું હોય છે.
ને પછી ગરદન રહી જાય ત્યાં સુધી સાંભળતી રહું છું એ તકિયામાંથી આવતો તારી ધડકનોનો અવાજ
એ પછી નિરાંતે સૂઈ જાઉં છું હું, ખબર છે કેમ?
કારણ કે મારા કાનમાં ગુંજતો રહે છે તું
અને તકિયામાંથી આવતી વ્હાલપની 'ધડ ધડ'...
©અનુ.