હું તને ચાહું છું.
મારા નામની જેમ તને અનહદ ચાહું છું.
બે-ચાર ક્ષણોમાં જે ખુબસૂરત યાદ આપી છે તેં,
એનો અનુભવ હું સતત વાગોળું છું.
હું તને ચાહું છું.
પણ...
હું પહોંચી નથી શકતી તારા સુધી.
હું સ્પર્શી નથી શકતી તારા પગના અંગૂઠાને.
હું મારી હથેળીઓ તારી આંગળીઓમાં પરોવી નથી શકતી.
હું મારું મસ્તક તારા ખભે ઢાળી નથી શકતી.
અને તારા મસ્તકને વહાલથી હું ચૂમી નથી શકતી.
હું મારી છાતીમાં તારું મુખ છુપાવી નથી શકતી.
અને હૃદયસરસો તને ચાંપી નથી શકતી.
નિર્દોષ આંખોમાં તુૃં સ્વપ્નો સેવે એવું કોઈ વચન હું આપી નથી શકતી.
તારા હૈયામાં ઊછળતાં અગાધ પ્રેમના સાગરમાં હું ભળી નથી શકતી.
અહીં સુધી કે,
રોમરોમમાં તારો અનુભવ હું બેબાક થઈને વર્ણવી નથી શકતી.
તુૃં જ મને કહે હે ઈશ્વર !
હું એવું શું કરું કે એને શાતા મળે.
કોઈ એવી ટનલ, કોઈ એવું ભોંયરું તને રચનારે નથી રચ્યું
કે અહીંથી હું પ્રેમલહરીઓ વહાવું
ને ત્યાં એનું મન પ્રફુલ્લિત થઈ નાચી ઉઠે !
કોઈ એવી ઔષધિ હોય તો જણાવ મને
કે અહીંથી હું એનું નામ રટું
ને શમી જાય ત્યાં એની સઘળી પીડા !
એવું થાય તો હુંય અધિકારથી એને કહી શકું કે,
હું તને ચાહું છું.
મારા નામની જેમ તને અનહદ ચાહું છું.