લહેરખી આનંદની
-@nugami.
સાંજે ૫ વાગ્યે ગરમ કોફી લઈને બાલ્કની માં ખુરશી પર બેસી વરસાદના ફોરાં ની મજા લેતી હતી.ત્યાં વિચાર આવ્યો કે આજે સાંજે જમવામાં શું બનાવું?
પછી વિચાર આવ્યો કે, આજે ઢોસા ખાવા છે.પણ એતો જ્યાં સ્પેશિયલ ઢોસા બનાવવામાં આવતા હોય ત્યાં ખાવાની વધારે મજા પડે.એમ વિચારી જમવાનું ઘરે બનાવવાનુ કેન્સલ કરી ને બહારથી ઢોસા લઈને ખાવાનું નક્કી થયું.
ઘરનું થોડું કામ પતાવી ને એક્ટિવા પર સાંજે ૭ વાગ્યે હું નીકળી. દુકાને પહોંચી ને એક મૈસુરી મસાલા ઢોસા ના પાર્સલ નો ઓર્ડર આપ્યો.ત્યાં ઉભી રાહ જોતી હતી,ત્યાં બે ભાઈ બહેન ગરબો લઈ ને આવ્યા,જેમની ઉંમર આશરે ૮-૯ વર્ષ ની હતી.
નવરાત્રિ ના દિવસો..... બહેન હતી એ માતાજી ના ગરબા ગાવા લાગી અને ભાઈ પણ સાથે સૂર મેળવતો હતો. હું ઉભી હતી ત્યાં મારી પાસે આવી ને દીકરી કહે," માસી, ગરબાનું કંઇક આપો ને?"
મેં પૈસા આપતાં કહ્યું,"હું તને માસી દેખાવ છું?"
એટલે હસવા લાગી અને બોલી,"આ માસ્ક માં કંઈ ખબર નથી પડતી." હું પણ સાથે હસી.પૈસા લઈ ને ચાલતાં થયા ત્યાં મેં બૂમ પાડી.
અવાજ સાંભળી બંને ઊભા રહ્યા.
મેં કહ્યુ ,"ઢોસો ખાવો છે?"
મારો પ્રશ્ન પૂરો થાય એ પહેલાં જ દીકરી બોલી,"હા,મારી મમ્મી માટે લઈ જવો છે."
હું એક ઘડી વિચારમાં પડી. મેં કહ્યું,"કેમ બેટા ,તારે નથી ખાવો?"
તો બોલી,"ના મારે નથી ખાવો.પણ મારી મમ્મી માટે લઈ જવો છે."
મેં કહ્યું,"સારું,તો બોલ કયો ઢોસો ખાવો છે? મેં એને સહજતા થી મેનુ આપ્યું.
એણે મેનુ ના લેતાં કહ્યું," મને વાંચતા નથી આવડતું."
પછી મેં વાંચી ને અને કયા ઢોસા માં શું આવે એ કહ્યું જેથી એને જે ઈચ્છા હોય એનો ઓર્ડર આપી શકું.
તો એનો ભાઈ બોલ્યો,"મસાલા ઢોસા"
ઓર્ડર આપ્યો.જ્યાં સુધી તૈયાર થાય ત્યાં સુધી અમે ત્રણેય જણ વાતો કરી.
એમને મેં પૂછ્યું,"તારી મમ્મી શું કામ કરે છે?"
તો,દીકરી બોલી,"ગામડે ગામડે જઈ ને બંગડીઓ વહેંચે છે,અને હાલ કોરોના માં કોઈ નફો પણ થતો નથી."
ઉંમર નાની હતી અને સમજણ વધારે.
પાર્સલ તૈયાર થઈ ગયું.
મેં એને પાર્સલ આપ્યું.
પાર્સલ લેતાં દીકરી બોલી,"આજે મમ્મી ને મજા આવશે,ઢોસો જોઈ ને."
એનો ભાઈ બોલ્યો,"આપણ ને પણ.આજે આપણે પહેલી વાર ઢોસો ખાશું."
મેં સહજતાથી પૂછ્યું,"કેમ બેટા પહેલાં ક્યારેય નથી ખાધો , અહી તો રોજ મળે છે જ્યારે ખાવો હોય ત્યારે દુકાન ચાલુ જ હોય છે."
દીકરી બોલી,"ઢોસો તો રોજ મળે છે ,પણ પૈસા ક્યાં રોજ મળે છે? "
એમ કહી બંને જણા ખુશ થઈ ને રસ્તા પર ચાલવા લાગ્યા.
સુખ ક્યાંય લેવા જવાનું નથી, બસ એને અનુભવવાનું હોય છે.
આ ઘટનાક્રમથી મારા અંતર આત્મા માં એક આનંદ ની લહેરખી આવી, કંઇક સારું કર્યા નો અનુભવ.બાળક ના મુખ પર હાસ્ય લાવવાનું સુખ.......
ક્યારેક અજાણતા જ કંઇક આવું સારું બને ત્યારે એનો આનંદ કંઇક અલગ જ હોય છે.
દિવસ નો બધો જ થાક ઉતરી જાય એવું બંને ભાઈ બહેન નું નિર્દોષ હાસ્ય જોવાનો લાભ.
કુદરત આપણા પર જો મહેરબાન રહેતી હોય તો, ક્યારેક આપણે પણ કોઈ ના મુખ પર હાસ્ય રેલાવીને એને આનંદ આપવાનો પ્રયત્ન કરી શકીએ.
કરીશ ભલું,તો થશે ભલું.
-@nugami.