Gujarati Quote in Religious by Kamlesh

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

...#... તેંત્રીશ કોટીના (પ્રકારના)દેવતા...#...

સુપ્રભાતમ્ સૌને જય ભોળાનાથ...

આગળની પોસ્ટમાં આપણે તેંત્રીશ કોટી દેવતાઓનો અર્થ જાણ્યો કે," તેંત્રીશ કોટી એટલે તેંત્રીશ કરોડ નહીં અપિતુ તેંત્રીશ પ્રકાર થાય છે એમ..."
આજે આપણે આના વિશે સંપૂર્ણત: વિસ્તારપૂર્વક જાણીશું...
આપણે જોયું કે,
૧૨ આદિત્ય,૧૧ રુદ્ર, ૮ વસુ, અને બે અશ્વિનીકુમાર મળીને કુલ ૩૩ દેવતાઓ થાય છે. તો આ કોણ અને કયા કયા...???
સૌ પ્રથમ જાણીએ ૧૨ આદિત્ય વિશે...

૧) બાર આદિત્ય....
બાર આદિત્ય એ પ્રજાપતિ પુત્રી અદિતિ અને ઋષિ કશ્યપના પુત્ર અંશ,અર્યમા,ધાતા,પૂષા,મિત્ર,ભગ,ત્વષ્ટ,સવિત્રુ,શુક્ર,વિષ્ણુ,વરુણ અને વિવસ્વાન છે.
આ બધા પાલનકર્તા છે. જે બ્રમ્હાંડનું યેનકેન પ્રકારે લાલન પાલન કરે છે એટલે આ ભગવાન વિષ્ણુની પ્રતિકૃતિઓ છે....
* વિવસ્વાન આદિત્ય એ વૈવસવત મનુના પિતા છે,જેમનાથી રાજાઓની વંશાવળી શરુ થઇ.

૨) અગિયાર રૂદ્ર....
અગિયાર રૂદ્રોની ઉત્પત્તિ બ્રમ્હદેવના ક્રોધને કારણે થઇ છે. ઉગ્રરેતા,કાલ,ધ્રુતવ્રત,ઋતુધ્વજ,ભવ,મનુ,મનિહાસ,મહાન,મન્યુ,વામદેવ અને સંહારક...
સંહારક આ ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની પ્રતિકૃતિ છે. એટલે ભગવાન શિવનું એક નામ રુદ્ર પણ છે. અપિતુ અહિંયા રુદ્ર એટલે મહાદેવ નથી. આ બધા ક્રોધનું(વિનાશ) પ્રતિનિધિત્વ કરતા હોવાથી આમને રુદ્ર કહેવાય છે.

૩) આઠ વસુઓ...
ધર્મ ઋષી અને દેવી વસુના પુત્રો એટલે વસુઓ... અક,અગ્નિ,ધૃવ,પ્રાણ,દ્રોણ,દોશ,વસુ અને વિભાવસુ. આ બધા ઉત્પત્તિ કર્તા છે,એટલે તેઓ બ્રમ્હદેવની પ્રતિકૃતિઓ છે.
અગ્નિ વસુએ દેવરાજ ઇન્દ્રના કહેવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીના ઉર્જા પિંડની ઉઠાંતરી કરી હતી,પરંતુ એ પિંડની ઉષ્ણતા સહન ના કરી શકતાં તેમણે એ દેવી ગંગાને સોંપી દીધો,ગંગાજીએ પૃથ્વીને,પૃથ્વીએ કૃતિકાઓને... અને કૃતિકાઓના સાનિધ્યમાં આ પિંડનું ૬ પુત્રોમાં અવતરણ થયું જે અંતે શિવપાર્વતી પુત્ર કાર્તિકેય થયા.
અહિંયા પોતાના પિંડને ના જોતાં દેવી પાર્વતીએ અગ્નિને શ્રાપ આપ્યો કે જે કોઇ એમની સમીપ જશે એ બળીને ભસ્મ થઇ જશે.
અને તેઓ હંમેશા અશુદ્ધિઓથી લથબથ રહેશે.
૪) અશ્વિનીકુમારો...
બંન્ને અશ્વિનીકુમારોનો સૂર્ય પુત્રો છે. તેઓ દેવતાઓના વૈદ્ય છે. આ કુમારોની ઔષધીએ જ ઋષિ "ચ્યવન ભાર્ગવ"ની યુવાની પાછી મેળવવામાં મદદ કરી હતી.
આ છે આપણા તેંત્રીશ કોટીના દેવતાઓ.
બાકી તો,
"एकं सत्‌ विप्र बहुदा वदन्ति"
અર્થાત્ ભગવાન તો એક જ છે પણ સંતો બ્રામ્હણો એને વિવિધ નામે ઓળખે છે.
કોઇ આપણી સહાય કરે એને દેવ માનવો એ મનુષ્ય સહજ છે. કોઇ વિર ગાયોની રક્ષા કરતાં કામ આવે તો એનાય પાળીયા બનાવી આપણે એને દેવ બનાવી પૂજીએ છિયે. કહે છે ને કે,"હરિ તારા નામ છે હજાર,કયા નામે લખવી કંકોત્રી"...
ઇશ્વર સંપૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ પ્રકટે છે. હવે પૂર્ણમાંથી પૂર્ણ બહાર કાઢો તો પૂર્ણ જ શેષ રહે છે. આમ બ્રમ્હ સંપૂર્ણ છે,એમાંથી ઉત્પન્ન એવું બ્રમ્હાંડ પણ સંપૂર્ણ છે. અને બ્રમ્હ માંથી બ્રમ્હાંડ બહાર આવવા છતાં પણ શેષ બ્રમ્હ સંપૂર્ણ છે.

.......###.......###......####.....

મારે વાત કરવી હતી,"વસુ અવતાર"ની...

એક સમયની વાત છે. આઠ વસુઓ માંના એક એવા ધૃવ વસુ શ્રાપનો ભોગ થયા હતા. અને પોતાના બધા ભાઇઓને પણ એમણે શ્રાપનો ભોગ બનાવ્યા હતા.
એક સમયની વાત છે. એકવાર આઠેય વસુઓ મહર્ષિ વશિષ્ઠના આશ્રમમાં મહેમાન બનીને ગયા. વશિષ્ઠ ઋષીઓએ એમની ખુબ આગતા-સ્વાગતા કરી. ઋષી પાસે ભગવાન શિવની આપેલી "કામધેનુ" ગાય હતી. જેની પાસે જે માંગો એ વસ્તુ એ ગાય આપતી.
વશિષ્ઠજીએ આ કામધેનુ પાસેથી મહેમાનો માટે અલભ્ય પ્રકારના વ્યંજનોની પ્રાપ્તિ કરી,અને વસુઓને ખુબ આદરભાવ સાથે જમાડ્યા.
આ બધું જોઇ ધૃવ વસુને આ કામધેનુ ગાય પ્રાપ્ત કરવાની ઇચ્છા જાગી. ઋષી વશિષ્ઠ જેવા સ્નાન કરવા ગયા એ જ સમયે ધૃવ વસુએ તક જોઇ કામધેનુને લઇને પોતાના ભાઇઓ સાથે પલાયન થઇ ગયા. વશિષ્ઠજીએ પાછાં આવીને જોયું તો મહેમાન અને કામધેનુ નહોતા. એમણે દિવ્યદ્રષ્ટિથી વસુઓને ગાય ચોરી લઇ જતા જોયા. આથી ક્રોધે ભરાયેલા વશિષ્ઠજીએ આઠેય વસુઓને મનુષ્ય યોનીમાં જન્મ લઇ અને આજીવન માનસિક પિડા સહન કરવાનો શ્રાપ આપ્યો.
બધાં વસુઓએ વશિષ્ઠજીને કામધેનુ પરત કરી અને માફી માગતા કહ્યું કે આ બધું ધૃવનું કરેલું હતું,અમને ક્ષમા કરશો. પરંતુ શ્રાપ કદાપી મિથ્યા ના જાય,એટલે એમણે ઉપાય બતાવ્યો કે તમે દેવી ગંગાની કૂખેથી જન્મ લેજો. દેવી ગંગા જ તમને મનુષ્ય યોનીમાંથી મોક્ષ આપી શકશે. આ સાંભળી વસુઓએ માતા ગંગાની આરાધના કરી,દેવી ગંગાએ પ્રસન્ન થઇ સાત વસુઓને જન્મની સાથે જ મોક્ષ આપવાનું વરદાન આપ્યું પરંતું ધૃવ વસુએ કામધેનુની ચોરી કરી હોવાથી મનુષ્ય યોનીમાં આજીવન પિડા પ્રાપ્ત કરી અંતમાં મોક્ષ આપશે એવું વરદાન આપ્યું.
કાળક્રમે હસ્તિનાપુરના રાજા શાંતનુએ એક દિવસ ગંગા તટ પર દેવી ગંગાજીને જોયા, અને એમના પર મોહિત થયા. શાંતનુંએ ગંગાજી સામે વિવાહ પ્રસ્તાવ મૂક્યો, ગંગાજીએ પ્રસ્તાવ સ્વિકાર કરતાં પહેંલા એક શર્ત મૂકી,"જો સાંભળ રાજન... મને કદિયે કોઇ કાર્ય કરતાં રોકીશ નહીં. અને જે ક્ષણે તું મને રોકીશ એ જ ક્ષણે હું પાછી સ્વર્ગલોક જતી રહીશ. " શાંતનું રાજાએ એમની શર્તનો સ્વિકાર કરી દેવી ગંગા સાથે લગ્ન કર્યા.દેવી ગંગાની કૂખે પ્રથમ વસુનો જન્મ થયો. જન્મતાની સાથે જ એમણે એ પુત્રને નદી તટે જઇ પોતાના પ્રવાહમાં વહેવડાવી દીધો અને એક વસુને મુક્તિ આપી... આમ એક પછી એક સાત વસુઓને મુક્તિ આપી. પરંતું જ્યારે આઠમા વસુને લઇને દેવી ગંગા જઇ રહ્યા હતા ત્યારે મહારાજ શાંતનુએ એમને અટકાવ્યા. અને પોતાના દરેક પુત્રોને કેમ જળસામધી આપો છો? આને હું જળસામધી નહીં આપવા દઉં એમ કહ્યું. દેવી ગંગાએ વિગતવાર બધી વાત જણાવી અને વસુઓ તથા વશિષ્ઠજીની કથાથી અવગત કરાવ્યા અને શર્ત પ્રમાણે સ્વર્ગમાં પાછા જવાનું કહ્યું.
પોતાના આઠમા પુત્રને હસ્તિનાપુરના યોગ્ય વારસદાર અને ઉત્તમ શાસકની તાલીમ આપી યુવાઅવસ્થાએ પાછો સોંપી જશે,એવું આશ્વાસન આપ્યું.
આ આઠમા પુત્ર એટલે ધૃવ વસુનો અવતાર દેવવ્રત. જે આગળ જતાં પોતાની ભિષણ પ્રતિજ્ઞાને કારણે સંપૂર્ણ બ્રમ્હાંડમાં "મહામહિમ્‌ ભિષ્મ" ના નામે ઓળખાયા. જેમણે આજીવન પરિવાર ક્લેશની પિડા વેંઠી. સમર્થ હોવા છતાં ભાઇ-ભાઇઓનું મહા યુદ્ધ (મહાભારત)ના રોકી શક્યા, અને અંત સમયે ઇચ્છામૃત્યુ વરદાન હોવા છતાં ૬ માસ સુધી ચાળણી થયેલા દેહે બાણશૈયા પર રહ્યા. અને અંતે ઉત્તરાણયના શુભ દિવસે દેહત્યાગ કરી મોક્ષ પામ્યા...

આ હતી ઋગ્વેદીય માહિતી તેંત્રીશ કોટી દેવતાઓ અને વસુ અવતાર દેવવ્રત (ભિષ્મ) વિશે...

પ્રશ્નકર્તાને ખુબ ખુબ આભાર...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ..... હર.....

Gujarati Religious by Kamlesh : 111543965
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now