સાંભળ કહું વાત શૌર્યની જ લખાય છે,
તારા ત્યાગમાં જ તારો પ્રેમ પરખાય છે.
છોડી આવ્યો ઘર પરિવાર પત્ની પુત્ર,
દેશભક્તિ તો તારા દિલમાં જ દેખાય છે.
મરવું મિટવું દેશકાજ, છે આશ એક જ,
ધન્ય જનની તારી એનું જીવન જોખાય છે.
જરૂર આવીશ એકદિન કરે છે દિલની વાત,
પ્રેમના થાય પારખા 'ને ચાબખા ચખાય છે.
લુંટ્યા-લુંટાયા થઈ સાવજ સરીખા અરિ સમા,
અહીં એ અંતરિયાળ આગ ક્યાં ઓળખાય છે?
જવાન આપે જવાબ, કિસાન અર્પે કણ મણ,
કોણ કોને ઓળખે, કયા ચોપડે નામ નખાય છે?
દિલમાં હોય દેશભક્તિ, હાથમાં હોય હરિઠામ,
કહી શકાય કશું ના બેચેની દિવસ રાત રખાય છે.
ના હોય નોંધ નામની, સાબિતી આપે કર્મ કરી,
ભકતો ભણી ગયા તેજલ, એમ ભાવિ ભખાય છે.
-તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ)