*આજનો મોર્નિંગ મંત્ર*
સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવ કહે છે કે મધ્યરાત્રિ પછીનો 2.30થી 3.00 વાગ્યા સુધીનો સમય ન સમજી શકાય તેવો અકળ છે. આ દરમિયાન બ્રહ્માંડમાં કશુંક થાય છે. જે. કૃષ્ણમૂર્તિ, ઓશો અને એમની પહેલાં થઇ ગયેલા પ્રાચીન ઋષિઓ આ સમયને બ્રાહ્મ મૂહુર્ત કહી ગયા છે.
ક્યારેક તમે ત્રણ વાગે જાગી જશો તો અચાનક પક્ષીઓના અવાજોથી વાતાવરણ ગુંજી ઊઠતું સંભળાશે. સકળ સૃષ્ટિ માટે આ જાગવાનો સમય છે. સાધના કરવાનો સમય છે. નામદાર આગાખાન કહે છે કે આ સમયે આસમાનમાંથી માલિક પૃથ્વી પર આશીર્વાદ વરસાવે છે. તે ઝીલવા માટે મનુષ્યે જાગી જવું જોઇએ.
સિદ્ધપુરુષો કહે છે કે જે મનુષ્યની ઊંઘ કોઇ પણ કારણ વિના બ્રાહ્મ મૂહુર્તમાં ઊડી જાય તો તેણે સમજી લેવું જોઇએ કે તેનું જીવન આધ્યાત્મિક માર્ગ ઉપર જવા માટે પરિવર્તન પામી રહ્યું છે. મારી અંગત જિંદગીના છ છ દાયકાઓ સુધી સવારના નવ વાગ્યા સુધી પથારીમાં ઘોરતો રહેલો હું છેલ્લા ત્રણેક વર્ષથી અનાયાસ, એલાર્મ વગર અઢીથી ત્રણથી વચ્ચે જાગી જઉં છું. ધ્યાન સારું લાગે છે. પછી સાડા ત્રણ વાગે પાછો ઊંઘી જઉં છું. ક્યારેક નથી પણ ઊંઘતો. નરસિંહ મહેતા ગાઇ ગયા છેઃ રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી; સાધુપુરુષે સૂઇ ન રહેવું. એક જૂનાગઢી ભક્તકવિએ આપેલી સલાહ મારા જેવો પામર જૂનાગઢી રહીરહીને અનુસરી રહ્યો છે.
જો જાગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ.
--ઓમ નમઃ શિવાય--
તા. 26-6-2020
*ડો. શરદ ઠાકર*
-- Dr Sharad Thaker
https://www.matrubharti.com/bites/111487388