_પ્રેમગ્રંથ_
વૃંદાવનમાં વિહરતી શ્યામને મળવા
વ્યાકુળ મીરાંને એક દિવસ અચાનક જ એને માધવ મળી જાય છે.માધવ એને રોજ કૃષ્ણની વાતો અને સ્નેહના સાચા સમર્પણની વાતો સમજાવતો. મીરા સાવ અલગારી હતી અને માધવ એટલો જ સમજુ અને ઠરેલ પ્રેમના દેવતા જેવો.શ્યામ વર્ણ બહુ જ ઓપતો હતો.એ વારે વારે મીરાંને કહેતો,"હું તમને આમ જીવવા નહીં દઉં.તમને વૃંદાવનમાંથી પાછા લાવીશ મારા જીવનમાં અને ખુબ જ પ્રેમ આપીશ. આ મારું વચન છે."મીરા પણ માધવની વાતોથી પ્રભાવિત થઈ જાય છે.બંને ઉગતી ઉષાએ હવન કુંડની સાક્ષીમાં હાથમાં હાથ રાખી વચને બંધાય છે.અલૌકિક એ ક્ષણોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રેમમાં સાથે રહેવાનો કોલ આપે છે.માધવ મીરાંને કહે છે,"મારો પ્રેમ અગાધ છે.હું અલગ છુ અને અલગ જ રહીશ.ઇતિહાસ રચાઈ જાય એવો હું તમને પ્રેમ કરીશ."
મીરાની આંખમાં હર્ષના આંસુ આવી જાય છે.માધવને એ ભેટી પડે છે.વર્ષો સુધી મીરાંએ આવા જ પ્રેમની ઝંખનાં સેવી હતી.મીરા અને માધવ એક બીજાના પ્રેમમાં ગળાડૂબ રહેવા લાગ્યા.પોતાની અલગ જ દુનિયામાં વિહરવા લાગ્યા.મીરાએ પોતાનું તન,મન,ધન સર્વસ્વ માધવને અર્પણ કર્યું.મીરા વિના ફેરાએ,પ્રીતનું પાનેતર ઓઢી માધવને મનથી વરી ચુકી.માધવે પણ મીરાના પ્રેમનો સ્વીકાર કર્યો.એની ખુશીનો પાર જ નહોતો.
અચાનક સ્નેહની સરવાણીમાં મીરાના જીવનમાં વિરહનું વાવાઝોડું આવી ગયું.આજે એનો માધવ એની પાસે નથી.કોણ જાણે કેમ એ મીરાથી દૂર થઈ ગયો છે.શ્યામની સાક્ષીએ આપેલ એ વચનને મીરાના અનોખા પ્રેમને વિસરીને પ્રેમપંથ પર મીરાંને એકલી મૂકીને ચાલ્યો ગયો.મીરાંને બહુજ આઘાત લાગ્યો છે.માધવની જુદાઈ મીરાથી સહેવાતી નથી.ક્ષણે ક્ષણે મીરા માધવના પ્રેમને ઝંખે છે.માધવની જોગણ બનીને ઝુરે છે.માધવની યાદમાં મીરા આજે પણ એના આગમનની રાહ જોઇને બેઠી છે.મીરાંને શ્રધ્ધા છે ,શ્યામમાં અને માધવના પ્રેમમાં એનો માધવ આવશે જ.આપેલ વચનને નિભાવશે, નવો ઇતિહાસ રચશે.મીરા અને માધવના પ્રેમનો *પ્રેમગ્રંથ* સુવર્ણ અક્ષરે જરૂર લખાશે. પ્રેમગ્રંથના પહેલા પાને મીરા અને માધવનું જ નામ લખાશે.
હેરી મેં તો પ્રેમદિવાની માધવકી ,
મેરા દર્દ ના જાને કોઈ.
ઝંખના