અછાંદસ રચના
" ટપાલ"
-----------------
ધીરજ તો રહેતી
એ ટપાલના
જમાનામાં.
આતુરતા,
અધીરાઈ,
પ્રતીક્ષા
ને વળી,
કાગડોળે
જોવાતી રાહ.
'ને સાયકલની
ટીન - ટીન
એ તો જાણે
કર્ણપ્રિય સંગીત.
ધીરજ તો રહેતી
એ ટપાલના જમાનામાં.
"પ્રિય" નો કાગળ
હાથમાં આવતાં,
હૈયું હરખાતુ,
નયન શરમાતાં
ને એકાંતમાં એ
કાગળના એકેએક
શબ્દો પર
ચુંબન વરસતાં.
કેટલીય વખત
વંચાતો એ કાગળ.
ને વર્ષો વરસ
સચવાતો કાગળ.
- મનીષા પ્રધાન