26-05-2020 ખરતો તારો (ભાગ-૨)
આખા દિવસ કરેલા અતિશય કામ અને કાલે પણ આટલું જ કામ કરવાનું છે એ વિચાર માત્રથી એટલી થાકી હતી કે પથારીમાં પડતાની સાથે જ સૂઈ ગઇ અને બીજે દિવસે એ જ સવારે 6:00 વાગે દરવાજો ખખડ્યો અને અવાજ સંભળાયો કે "વહુ હવે ઉઠી જજે ઘણા કામ છે આજે"
લગ્નને એક વર્ષ પુરુ થવાની આગલી રાત્રે ઉંઘમાંથી ઉઠાડી રાજે મને કીધું "હેપ્પી એનીવર્સરી ડીયર, કાલે હું ઓફિસથી જલ્દી આવીશ અને પછી આપણે બહાર ફરવા જઈશું" પહેલા તો મને આ ઊંઘમાં જોવાયેલાં સ્વપ્ન જેવું જ લાગ્યું કે આટલા પ્રેમથી એક વર્ષમાં પહેલી વાર રાજ બોલ્યા હતા પણ આ ખરેખર સાચું હતું. કાલના દિવસ ની કલ્પના માત્રથી મારામાં ખુશીની લહેર દોડી જતી હતી અને કાલે હું એના માટે શું-શું નવું કરી શકું એ વિચારોમાં ક્યારે મને ઊંઘ આવી ગઈ એ ખબર જ ના પડી. સાસુ-સસરાને તો કદાચ લગ્નની વર્ષગાંઠ યાદ પણ નહીં હોય એમ લાગ્યું પણ હું એ સોહામણી સાંજની રાહ જોતી રહી. રાજ આમ તો રોજ આઠ વાગે આવે પણ આજે વહેલા આવવાનું કીધું છે તો કદાચ છ વાગે આવી જશે એટલે સાંજે નાહીધોઈને ખુલ્લા ભીના વાળ, ઓછા પણ આકર્ષક આભૂષણો, લાલ લિપસ્ટિક અને લાલ સાડીમાં સજ્જ થઈ હું વારંવાર પોતાના રૂપ ને નિહારતી રહી અને પોતાના બેડરૂમમાં આમતેમ આંટા મારતી રહી.
સાત વાગતા રૂમનો દરવાજો ખખડ્યો મને એમ કે રાજ આવી ગયા અને દોડીને દરવાજો ખોલ્યો પણ સામે સાસુ ને જોઈને થોડી હું ખચકાઈ પોતાના ચહેરા પરની ચમકતી ખુશી મે સંતાડી દીધી અને પછી પોતાના અસલી વ્યક્તિત્વમાં ઘૂસીને મે બહુ જ આદર થી પૂછ્યું "હા બોલો મમ્મી" સામેથી જવાબ મળ્યો "ઉપવાસ તારે કરવો હોય તો કરજે પણ અમારે જમવાનું તો જોઇશે જ રસોડામાં હડતાલ રાખી છે કે શું ? જાણી જોઇને હેરાન કરીશ તો ફાવટ નહી આવે એ સમજી લેજે" આટલું બોલી સાસુ જતા રહ્યા અને હું ફટાફટ સાડીનો છેડો કમરમાં ખોસી ને રસોડામાં કામ પર લાગી ગઈ. નવ વાગવા આવ્યા બધા જમીને પોતપોતાના રૂમમાં જતા રહ્યા અને હું રાજ ની રાહ જોઈને બેસી રહી. 10:00 વાગતા થયુ કે રાજ ને આજે મોડું કેમ થયું ક્યારે આવશે એ પૂછી લઉં તો મને ગરમ-ગરમ રોટલી ઉતારવાની ખબર પડે એ ચિંતામાં કોલ કર્યો તો સામેથી ગુસ્સામાં જવાબ મળ્યો કે મારા ટાઈમે આવીશ મારી માઁ બનવાની કોશિશ ના કર. 10:30 આમતેમ ડગલા માંડતા રાજે દરવાજો ખખડાવ્યો. દરવાજો ખોલતા જ મેં જોયું કે તેમને અડબડયુ આવ્યુ પણ મેં તેમને પકડી લીધા. એકદમ નશા માં ધુત્ત થઇને આવેલા રાજ ની આંખો એકદમ લાલ હતી અને પોતાની પથારી શોધતા હોય એમ રૂમ માં જવા લાગ્યા. મારા ખભે હાથ મુકાવી હું જેમતેમ કરી ને તેમને બેડરૂમ સુધી લઇ ગઇ અને પથારી માં સુવાડ્યા. પછી મે પુછ્યુ ગરમ-ગરમ રોટલી બનાવીને ડીસ અહીં જ આપી જવું તમને ? તેમને કીધું હું જમીને આવ્યો છું હેરાન ના કર મને હવે સુવા દે. લાઇટ બંધ કરી રૂમની બહાર નીકળી હતી ત્યાં મારી સાડીનો છેડો દરવાજામાં ફસાયો તેને હું આરામથી કાઢી શકી હોત પણ એ સમયે એટલો ગુસ્સો આવ્યો કે મેં તેને જોરથી ખેંચ્યો અને તેમાં મોટો ચીરો પડી ગયો. બે ચમચી દાળ-ભાત ખાઈને કપડા બદલી હું સુવા ગઈ.
ક્રમશઃ