ખભે કોથળો કેડે બાળ
મળે નહિ રસ્તાની ભાળ
દેખનહારા દૂરથી દેખી
દેતા મા દીકરીની ગાળ
પચ્ચીસ વ્હેત જગા તો આપો
અમે ચણ્યા છે પચ્ચીસ માળ
ભૂખ વણે છે આંતરડાંમાં
કરોળિયાની જાણે જાળ
પડતું મેલ્યું પાટા માટે
બૈરાં છોરાં બન્યા વરાળ
એક તરફ ફેંકાઈ રોટી
બીજી તરફ ઢોળાઇ દાળ
ધૂબકો માર્યો ધબ્બ કૂવામાં
માએ કાપી નાખી નાળ
શિયળ વેચવા ચાલી મમતા
વિખરેલા ગૂંથીને વાળ
સરહદ પર વિંઝાયા દંડા
કંકુ વરણું થયું કપાળ
જજો તારું નખ્ખોદ કોરોના
થજો શેઠિયા શઠ કંગાળ
( લી - શ્રમિક મજદુર ઘર પરિવાર )