તુજ સાથની એકાદ પલ આપી શકે તો આપ,
ઉકેલવા જીવન પઝલ આપી શકે તો આપ.
કે તું હવે ગમતી નથી, એવું નથી મને,
એ જિંદગી! તારી નકલ આપી શકે તો આપ.
વરસો ગયા વાટે, નથી કોઈ જ પ્રત્યુતર!
વેઠી જે કાંઈ એનું ફલ આપી શકે તો આપ.
જ્યારે બધા આપે જ છે તો શું જરૂરી હતું?
આ દર્દ નહિ, કાંઈક હલ આપી શકે તો આપ.
ને જીવતે જીવત કદી આપ્યું ના હો ભલે,
આખર ઘડી છે થોડું જલ આપી શકે તો આપ.
મરવું અમારું, આપનું આવીને શ્વાસો ભરવું,
કોઈ બીજી રીતે ગઝલ આપી શકે તો આપ.
એ તો અનાદરથી જ ટેવાયેલ છે ભલા!
છે અક્ષ માસુમ કે અકલ આપી શકે તો આપ.