"આત્મનિર્ભર" જેવા સાંસ્કૃતિક, વૈદિક, ફિલોસોફીકલ, તેજસ્વી, વૈશ્વિક, ઉધ્ધારક, શબ્દની આ ગઝલમાં વિવિધ અર્થમાં વ્યાખ્યા કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે....
જાતને ચાહી શકો તો આત્મનિર્ભર થઈ શકાય ,
કવિ તમે સાચું લખો તો આત્મનિર્ભર થઈ શકાય.
રૂપિયા , મોટાઈ ,કીર્તિ , આત્મશ્લાઘા ,લાલસા,
આ પ્રલોભનને ત્યજો તો આત્મનિર્ભર થઈ શકાય.
એ પ્રથમ તો ધ્રુજશે લથડી જશે નક્કી છતાં,
પગ ઉપર ઉભા રહો તો આત્મનિર્ભર થઈ શકાય.
બુધ્ધિ સો એ સો ટકા કયાં સાચું કહેતી હોય છે,
મનનું કીધેલું કરો તો આત્મનિર્ભર થઈ શકાય .
ભૂમિનો ટુકડો નથી આ કાળજાની માટી છે,
દેશને માતા કહો તો આત્મનિર્ભર થઈ શકાય.
જો જરા પાડોશમાં ભૂખ્યાં સુતા છે બાળકો,
ભાગ રોટીનો ધરો તો આત્મનિર્ભર થઈ શકાય.
આપ મોટા થઈ ગયાં પણ દોષ નાનામાં નથી,
એજ આદરથી નમો તો આત્મનિર્ભર થઈ શકાય.
નાવ 'સાગર'માં મૂકી તો આવશે તોફાન પણ,
ધૈર્યથી આગળ ધપો તો આત્મનિર્ભર થઈ શકાય.
સગર રાકેશ 'સાગર', વડોદરા