' Well Come ' નાં પાટીયાં લગાડીને બેઠા છીએ ,
પણ આમ રાહ જોવાશે ક્યાં સુધી ?
શબરી નથી અમે ,
રામ નથી તમે ,
અને એંઠા બોર તો ગયાં છે ખવાઇ !
' Friendship for Ever ' ની વાતો થાય છે ચારેકોર ,
પણ મિત્રતાની મિશાલ શોધીશું ક્યાં ?
સુદામા નથી અમે ,
શ્રીક્રુષ્ણ નથી તમે ,
અને મૂઠી તાંદુલ તો ગયા છે વેરાઇ !
' I love you ' કહેવાની ફેશન છે હવે તો ,
પણ પ્રેમની પરિભાષા સમજીશું ક્યારે ?
મીરાં નથી અમે ,
શ્યામ નથી તમે ,
અને પ્યાલા તો ઝેરનાં ગયા છે પિવાઇ !
' Modern Education ' ની બોલબાલા છે આજકાલ
પણ સાચા વિદ્યાર્થી બનીશું ક્યારે ?
એકલવ્ય નથી અમે ,
ગુરુ ધ્રોણ નથી તમે ,
અને અંગુઠા તો અમારા ગયા છે કપાઇ !
' Bhakti ' નાં ઘોડાપૂરમાં ડૂબ્યાં છે આજે સૌ ,
પણ સાચી ભક્તિ સમજાશે ક્યારે ? ,
નરસિંહ નથી અમે ,
શામળીયા નથી તમે ,
અને પ્રભાતિયાં તો બધા ગયાં છે ગવાઇ !
જશુ પટેલ