નથી એ હિન્દુ કે નથી મુસલમાન
તો પણ લોકો વળી વળીને પૂછ્યા કરે
શું છે તારો ધર્મ? શું છે તારી જાત?
ભલે મુખેથી નીકળે યા અલ્લાહ યા શ્રી રામ
ભલે પહેરે ટોપી કે કરે તિલક કુમકુમ
બંને હાથે કરે બંદગી, ઝુકાવી શીશ નમન
ચાહે વાંચે એ કુરાન કે મુખે હોય ચોપાઈ
ઈશ્વર અલ્લાહ બંને સરખા ક્યાં છે કોઈ ઠગાઈ?
એ નથી પૂછતો કોઈની પણ જાત કે પાત
એ નથી પૂછતો કોઈનો ધર્મ કે એની ન્યાત
તો પણ લોકો વળી વળીને પૂછ્યા કરે
શું છે તારો ધર્મ? શું છે તારી ન્યાત?
તો ચાલ મને પણ કહેવા દે
માણસાઈ મારો ધર્મ અને છે માણસ મારી જાત
જો આટલું જ પૂરતું હોય તો શાની છે આ ભવાઈ?