અનોખીપ્રિત - ૮
(હોલના ફર્શ પર પડેલા ફોનની સ્ક્રિન ચમકે છે,ડિસ્પ્લે પર " પ્રિત કોલિંગ" આવી રહ્યું છે,માથે લટકતા હાથની નસમાંથી રકતધારા વહી રહી છે, નીચે લોહીનું ખાબોચીયું ભરાયેલું છે.....હવે આગળ....)
પ્રિતમ કોલ પર કોલ કરે છે પણ કોલ રિસિવ થતો નથી. પ્રિતમ ગભરાઇ જાય છે. એ તરત રાજને કોલ કરે છે.
રાજ : હેલ્લો બ્રો...
પ્રિતમ : રાજ તું અત્યારે ફલેટ પર જા... અનોખી ફોન નથી ઉપાડી રહી. મને બીક છે કે ક્યાંક એણે...
રાજ : (અટકાવતા)ભાઇ ખોટી ચિંતા ના કરો. હું હમણાં જ પહોચ્યો ત્યાં..
પ્રિતમ : ફ્લેટની એક ચાવી બહાર શૂ-બોક્ષ પર રાખેલા કુંડાની નીચે છે. જલ્દી જા અને ફોન કર..
રાજ : હા ઓકે બ્રો... બાય...
પ્રિતમ પણ કાર દોડાવી મૂકે છે ઘર તરફ...
અહિંયા રાજ ફ્લેટ પર પહોંચે છે અને ડોરબેલ વગાડે છે. પણ કોઇ દરવાજો ખોલતું નથી. એ તરત કુંડાની નીચેથી ચાવી કાઢી અને દરવાજો ખોલે છે. અંદર અંધારું છે. રાજ પાંચ-છ ડગલાં આગળ વધે છે કે એને ઠેંસ વાગે છે,એ આગળ ફંગોળાય છે... માંડ-માંડ કરીને પોતાને પડતાં બચાવે છે. પછી ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને જુએ છે તો આખા ફર્શ પર લોહી ફેલાયેલું છે,અને અનોખી લોહીના ખાબોચીયામાં સોફાને ટેકે બેઠેલી દેખાય છે,હાથની નસ કપાયેલી છે. ગરદન ઢળી ગયેલી છે... આ દ્રશ્ય જોતાં જ રાજની આંખો ફાટી પડે છે... મગજ ચકરાવે ચઢી જાય છે. જેમતેમ પોતાની જાત પર કાબુ રાખીને "ઇમર્જન્સી મેડિકલ હેલ્પલાઇન" ૧૦૮ પર કોલ કરે છે. અને બધી જાણ કરે છે. ગણતરીની મિનિટોમાં ૧૦૮ ની ટીમ આવી જાય છે,અને અનોખીની ફર્સ્ટ એડ કરી નજીકની હોસ્પિટલમાં લઇ જાય છે. રાજ પ્રિતમને કોલ કરીને બધી વાતની જાણ કરે છે,અને સીધો હોસ્પિટલ આવવાનું કહે છે.
પ્રિતમ હાંફળો-ફાંફળો હોસ્પિટલમાં પહોંચે છે, અનોખી ઓપરેશન થિયેટરમાં છે,લોહીના બાટલા ચઢી રહ્યા છે,ડોક્ટર્સ ઓપરેશન કરી રહ્યા છે,નર્સો અંદર-બહાર થઇ રહી છે. બહાર એક બેંચ પર રાજ અને સાગર બેઠાં છે. પ્રિતમ એમની પાસે પહોંચે છે.
પ્રિતમ : (ઉતાવળે )રાજ- સાગર કેમ છે હવે અનોખીને???
સાગર : (ગુસ્સામાં ધક્કો મારીને) તારો જ વાંક છે બધો, વિડિયો ક્લીપ ડિલિટ મારવાની જગ્યાએ કોઇ એને જ બતાડે છે કે???
પ્રિતમ : (જોરથી) તો શું કરત હું? પોલીસ વાળાને કેસમાં નહીં ક્લીપમાં રસ છે,તારા વગર તો સેલ્યુલર કંપનીવાળાને પણ કોઇના નંબરની પ્રાઇવેટ ડિટેઇલ આપતાં પ્રોટોકોલ નડે છે.જેમ તેમ ઠેકાણે પહોંચ્યો તો એ છોકરી છ વર્ષ પહેંલા મરેલી છે.અને અહિંયા આ....
પાગલ થઇ ગયો છું,મગજ કામ કરતું બંધ થઇ ગયું છે.મને પણ છુટકારો જોઇયે છે યાર આ બધાથી... એ વિડિયો ક્લીપ બનાવનારની ઇચ્છા શું છે?? મેં શું બગાડ્યું છે કોઇનું? કોઇ શા માટે આ બધું કરી રહ્યું છે? એકવાર જો મારા હાથમાં આવી જાય ને,તો જાનથી મારી નાખીશ એને.
રાજ : (શાંત પાડતાં) ભાઇ શાંત થાવ, આ હોસ્પિટલ છે,બધું બરોબર થઇ જશે. (સાગર તરફ વળીને ) શું યાર તું પણ,કંઇ પણ બોલે છે.
સાગર : સોરી યાર પણ...
(ડોક્ટર્સ બહાર આવે છે )
ડોક્ટર : એ હવે ખતરાથી બહાર છે.
પ્રિતમ : થેન્ક્યુ વેરી મચ,ડોક્ટર.
બધાં હવે શાંત થાય છે. પ્રિતમ રાજ અને સાગરને જવાનું કહે છે, પોતે અનોખી પાસે રોકાય છે. સવાર પડે છે,અનોખી ભાનમાં આવે છે. પ્રિતમ બાજુના ટેબલ પર બેસીને એના બેડ પર માથું ઢાળીને સૂતો છે. અનોખી એના વાળમાં હાથ ફેરવે છે. પ્રિતમ પણ જાગે છે. અનોખી કંઇક બોલવા જાય છે,પણ પ્રિતમ અનોખીના હોઠ પર આંગળી મૂકી દે છે અને ઇશારાથી કંઇ જ ના બોલવાનું કહે છે. અને જ્યાં હ્રદય મળે છે ત્યાં શબ્દોની જરુર જ ક્યાં રહે છે. ત્યાં તો બસ આંખોની ભાષા જ ચાલે છે. અનોખીની આંખોમાં ઝળઝળીયાં આવી જાય છે,પ્રિતમ એના કપાળને ચૂમી લે છે. હોસ્પિટલ રુમનું વાતાવરણ ગુલબાગ થઇ જાય છે.
બે દિવસ હોસ્પિટલમાં વીતે છે.અનોખી બેડ પર બેઠી છે,પ્રિતમ એની સમીપ જાય છે.
પ્રિતમ : કેમ છે હવે તબિયત?
અનોખી : એકદમ સારું છે.
પ્રિતમ : હવે કાઉન્સિલ માટે જવાનું થશે.
અનોખી : (બાળકની જેમ) મારે નથી જવું કાઉન્સેલીંગ માટે. મને ઘરે લઇ જાઓને પ્લીઝ... તમે કહેશો એમ કરીશ... પણ પ્લીઝ મને અહિયાંથી કાઢો...
પ્રિતમ : (અનોખીનો હાથ હાથમાં લઇને) અનોખી તું મારી જોડે લગ્ન કરીલે.
અનોખી : (મસ્તીમાં ) તો તો હું અહિંયા જ બરોબર છું...
પ્રિતમ : (ટપલી મારતાં) ડફરરરર...
પ્રિતમ ડોક્ટરની કેબીનમાં જાય છે અને એમની જોડે વાત કરે છે.
પ્રિતમ : સર અનોખીને ડિસ્ચાર્જ કરી દો ને?
ડોક્ટર : અશક્ય છે એ, એ શારીરિક રીતે સ્વસ્થ છે પણ માનસીક રીતે નહી. એણે સુસાઇડ અટેમ્પ્ટ કર્યું છે. અને વગર કાઉન્સેલીંગ એમ જ ના મૂકાય.
પ્રિતમ : સર, એ હવે મારી જવાબદારી છે.
ડોક્ટર : મારું કામ છે સલાહ આપવી, આગળ આપની ઇચ્છા.
પ્રિતમ : થેન્ક્સ ડોક્ટર.
ડોક્ટર : પરંતું એને એકલી ના મૂકશો, આ મારી અંગત સલાહ છે. ટેક કેયર,હર...
પ્રિતમ : ચોક્કસ...થેન્ક્યુ વેરી મચ.
રજા લઇને પ્રિતમ ડોક્ટરની કેબીનમાંથી બહાર આવે છે. અને અનોખીના વોર્ડ તરફ જુવે છે તો કોઇ અનોખીના રુમની બહાર,માથા પર જેકેટની ટોપી ચઢાવીને બંન્ને હાથ વચ્ચે માથું નાખીને રુમની અંદર તાંક-ઝાંક કરી રહ્યું છે.
પ્રિતમ બૂમ પાડીને દોડે છે,પેલો ઇસમ આ જોતાંજ ભાગવા માંડે છે. પ્રિતમ એનો પીછો કરે છે. પરંતુ એ લિફ્ટમાં ઘૂસી જાય છે,પ્રિતમ પગથિયા વડે નીચે ઉતરે છે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચતા સુધીમાં એ વ્યકિત ભીડભાડમાં અદ્રશ્ય થઇ જાય છે. પ્રિતમ પાછો આવે છે, અને જુવે છે તો અનોખીના વોર્ડના દરવાજાની બહાર નીચે એક ગ્રિટીંગ કાર્ડ પડ્યું છે અને એની ઉપર ગુલાબનું ફૂલ હોય છે. પ્રિતમ એ ઉપાડી લે છે. ત્યાં તો અનોખી તૈયાર થઇ ને પ્રિતમની સામે ઉભી રહે છે.
અનોખી :શું થયું?
પ્રિતમ : કંઇ નહીં.
અનોખી : (હાથમાં ગ્રિટિંગ અને ફૂલ જોઇને) આ શું?
પ્રિતમ : આ હોસ્પિટલ વાળા રાખી ગયા છે.
અનોખી : (ઉછળીને) તો મને રજા આપી દીધી એમને?
પ્રિતમ : (અવઢવમાં ) હા, આપી દીધી.
પણ વચન આપો કે હવે મારી જોડે જ રહેશો.
અનોખી : હા બાબા.. સાથે રહીશું બસ.
બંન્ને ઘરે આવે છે. હજુ ઘરે પહોંચતા જ સાગરનો કોલ આવે છે.
સાગર : ભાઇ ક્યાં છો?
પ્રિતમ : અત્યારેજ ઘરે આવ્યા છિયે બંન્ને.
સાગર : ભાઇ... રાજ...(રડવા લાગે છે )
પ્રિતમ : શું થયુંરાજને?
સાગર : ભાઇ રાજે ગળાફાંસો ખાઇ લીધો છે.
પ્રિતમ : વ્હોટ??
(....ક્રમશઃ...)