# અનોખીપ્રિત - ૫
( પોલીસચોકીની બહાર મોટો અકસ્માત થાય છે, અને પ્રિતમને અનોખીની ચીસ સંભળાય છે... હવે આગળ...)
આ તો મુંબઇ નગરી... અલબેલી નગરી...ન કોઇ જાત જુએ ના જણ... બસ વહારે દોડી આવે ઘડીમાં... ક્ષણ ભરમાં તો ટોળું ભેગું થઇ ગયું..
ઓ ભાયા ..ઠોક દીયા ગાડીવાલેને... જલ્દી સે દોડો... નિકાલો ઉસકો...
અરે કાય ઝાલા? જરા તીકડે બઘા...ધાવા ધાવા લવકર... અરે ભાઉ આગોદર તી મૂલી લા ઉચલા...
કી હોયા ઉથે...? ઓ યારા છડ સબ,વો ગડ્ડી વાલેનું બહાર નિકાલો પહેલે...
એવંડી.. એમ આઇંન્દિ? નાના ચુળંડી કુંચમ્.. ઇ પાપનું દગર તિસ્કોઅન્ડિ..શિઘ્રમ્
પ્રિતમ અને રાજે પણ સૌની જેમ જ બહારની તરફ દોટ મૂકી, અને ટોળા સુધી પહોંચ્યા.ટોળામાંથી આવતો અવાજ સાંભળી પ્રિતમના તો પગ જ થીજી ગયા.આ શું થઇ રહ્યું છે આ જિંદગીમાં? જે પગ ૧૨૦ની ઝડપે ટોળા સુધી પહોંચ્યા એ હવે આ ટોળું ચીરીને આગળ કેમ નથી વધી રહ્યા? પ્રિતમ માંડ માંડ હિંમત કરીને ભીડ અળગી કરતો આગળ વધ્યો,એક પગ એક મણનો થયો છે આજ. એક એક ડગલું શરીરની સંપૂર્ણ ઉર્જા ખર્ચી રહ્યું છે. મનમાં ભોળાનાથનું નામ સ્મરણ ચાલી રહ્યું છે.
જેવો આગળ વધ્યોને જોયું તો, વચમાં એક કાર અને બુલેટ અથડાયેલા પડ્યા છે. લોહીનું ખાબોચીયું ભરાયેલું છે. એક યુવાનને લોકો ઉપાડીને બાજુ પર લઇ જઇ રહ્યા છે. અને આ શું??અનોખી ક્યાં? કેમ દેખાતી નથી? પ્રિતમના સ્થૂળ બનેલા પગમાં અચાનક ચેતના આવી. એકદમ જોશભેર કારની તરફ દોડ્યો.(આ અસીમ શક્તિનું ઉર્જાસ્ત્રોત છે ક્યાં આપણા આ મનુષ્ય દેહમાં,તનમાં? કે પછી મનમાં? કેમ અચાનક બધું જડ બની જાય છે અને બીજી જ ક્ષણે પ્રચંડ બની જાય છે? આવે છે ક્યાંથી આ શક્તિઓ આ શરીરમાં? અને પરિસ્થિતિઓ બદલાતા ક્યાં અલોપ થઇ જાય છે?એવા તો અનેકો પ્રશ્નો વણઉકલ્યા છે આજપણ.)
કારની પાછડની બાજુએ રોડની કિનારીએ આવેલ એક ટેબલ પર, અનોખી અવાક્ બનીને બેઠી છે. અચાનક બનેલા અકસ્માતની એક માત્ર સાક્ષી અને થોડી ક્ષણો પૂર્વે મૃત્યુને આંખો સમક્ષ જોઇ ચૂકેલી, થર થર કાંપી રહી છે. એને જોતા જ પ્રિતમ રીતસર એના પગ પાસે જઇને ઢસડાઇ પડ્યો,જાણે યોજનો દૂરનું અંતર કાપીને ના આવ્યો હોય એમ.
મનોમન ભોળાનાથનો આભાર માન્યો અને સાદ પાડ્યો...
અનોખી... એ અનોખી...(કોઇ જવાબ નહીં)
પ્રિતમે ફરી એકવાર બોલાવી અનોખી... એ અનોખી...(પરિણામ એ જ) પ્રિતમે અનોખીને ખભેથી પકડી અને ઝંઝોડી નાખી...
અચાનક તંદ્રા તૂટી હોય એમ અનોખી વાસ્તવિકતામાં આવતાં જ પ્રિતમને જકડીને ભેટી પડી, અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી. પ્રિતમ પણ જાણે નાના બાળકને સમજાવતો હોય એમ અનોખીના માથા પર હાથ ફેરવીને,"કંઇ જ નથી થયું..." શશશશશશ....શાંત શાંત શાંત . કંઇ જ નથી થયું... હવે બધું બરોબર છે..."એવરી થિંગ ઇઝ ઓલ રાઇટ,નાઉ"... ક્યાંય વાગ્યું તો નથી ને??
અનોખી : (અર્ધજાગ્રત અવસ્થામાં) મારા લીધે આ થયું...
પ્રિતમ : શશશ... આમાં કોઇનો વાંક નથી... સમય અને સંજોગો એવા બને છે...
અનોખી : ના હું જ વગર જોયે આડી ઉતરી, મારા વાંકે જ આ અકસ્માત....
પ્રિતમ : (વચ્ચે અટકાવી,હોઠ પર આંગળી મૂકી) અરે શાંત થાવ અને પરિસ્થિતિ સમઝો. આ મુંબઇની પબ્લીક છે.જે દયાભાવથી તમને અહિંયા એકતરફ બેસાડ્યા છે ને, જો એમને ખબર પડીને કે આ અકસ્માત તમારા લીધે થયો છે, તો એજ પબ્લીક તમને મારી નાખશે. સો પ્લીઝ શાંત થાવ... અને આ લવારો બંધ કરો..અને પહેંલા એ કહો કે તમને કોઇ ઇજા તો નથી થઇ ને??
અનોખી : (સંકળાઈને) ના,મને કંઈ નથી થયું, પરંતુ હવે શું થશે!!!???
પ્રિતમ : (સાંત્વના આપતાં) બધું બરોબર થઇ જશે. પહેંલા અહિંયાથી નિકળવાનું કરો...
(રાજ સામે જોઇને)રાજ તું આમનું ધ્યાન રાખ હું ગાડી લઇને આવું છું.
રાજ : હા ભાઇ, જલ્દી જરા...
પ્રિતમ : હમણાં આવ્યો...
( થોડી વારમાં પ્રિતમ કાર લઇને સામેના રોડ પર આવે છે)
રાજ : (અનોખીને કારમાં બેસાડીને)ભાઇ તમે નિકળો..
પ્રિતમ : હા તું પહોંચ રુમ પર.. હું આમને મૂકીને આવું છું.
રાજ : હા ભાઇ... બાય...
પ્રિતમ : આપનું ઘર ક્યાં છે? આઇ મીન," ક્યાં ડ્રોપ કરું??"
અનોખી : બાંદ્રા વેસ્ટ,એસ. વી. રોડ,ગર્લ્સ હોસ્ટેલ.
પ્રિતમ : ઓકે,મેડમ...
(પ્રિતમે કારને વરલી સી-ફેસ તરફના રોડ પરથી ચલાવી, અનોખીને હવે શાંત થયેલી જોઇને ગાંધી સ્ટેચ્યુ પાસે આવેલી આઇસ્ક્રિમની દુકાન પાસે કાર ઊભી રાખી અને પુછ્યું )
પ્રિતમ : આઇસ્ક્રિમ ચાલશે?
અનોખી : ના... મને જલ્દી હોસ્ટેલ મૂકી દો,પ્લીઝ...
પ્રિતમ : અહિંયાની આઇસ્ક્રિમ ખુબ વખણાય છે. એટલે જ તો અત્યારે અડધી રાતે પણ આટલી ભીડ છે અહિંયા. એક કોકોનટ સ્કૂપ ખાઇ લો,હજુ થોડું વધારે રિલેક્સ ફિલ કરશો.
અનોખી : (અનિચ્છાએ) હા ઠીક છે. આમેય ક્યાં માનવાના છો આપ?
પ્રિતમ : (હસીને) એ તો છે હો... એમ કહીને આઇસ્ક્રિમ લેવા જાય છે.
અનોખી એને જતો જોઇ રહે છે. ખબર નહીં કેમ પણ પ્રિતમ પરથી એની નજર નથી હટતી. કંઇક તો છે આમાં.
(પ્રિતમ બે કોકોનટ સ્કૂપનો ઓર્ડર આપીને બજુમાં ઉભો છે,ત્યાં કાખમાં લઘર-વઘર છોકરું તેડીને એક ભિખણ આવી )
ભિખણ : સા'બ ૧૦ રુપયા દો ના... સુબહ સે કુછ ખાયા નઇ,બચ્ચા ભી ભૂખા હૈ...
પ્રિતમ : (દયાથી) માફ કરના મગર મેરે પાસ પૈસે નહીં હૈ, અગર ખાના ચાહીયે તો પાસ વાલી હોટલમેં ખા લો.(આમ કહીને બાજુની હોટલવાળાને જમવાનું આપવાનો ઇશારો કરે છે )
ભિખણ : શુક્રિયા સા'બ.ભગવાન આપકા ભલા કરે...
(પ્રિતમ હોટલ વાળાને ઓનલાઈન પેયમેન્ટ કરે છે અને આઇસ્ક્રિમ લઇને અનોખી પાસે પહોંચે છે.)
પ્રિતમ : લો,મેમ..
અનોખી : ખુબ રસપ્રદ છે...
પ્રિતમ : અરે પણ ખાધાં પહેલાં જ રસપ્રદ!!!?
અનોખી : આઇસ્ક્રિમ નહીં,આપ..
પ્રિતમ : ઓહ! એવું? એવું શું રસપ્રદ છે?
અનોખી : પેલીને જમાડી,સારું કર્યું...
પ્રિતમ : ઓહ!!! એ..."વો તો દાને દાને પર લીખ્ખા હૈ,ખાનેવાલે કા નામ"... હું તો બસ નિમિત્ત માત્ર...
અનોખી : આ જ રસપ્રદ છે આપનું... માફ કરશો, હું તમને પોલીસ સ્ટેશન પર જેમ તેમ બોલી એ બદલ...
પ્રિતમ : ઓહ! લીવ ઇટ...એ તો સ્વાભાવિક છે. હું તમને નહોતો ઓળખતો આપ મને નહોતા ઓળખતા... ઇટ્સ ઓકે...
અનોખી : ના તો પણ...
પ્રિતમ : એમ છે તો,માફી ત્યારે મળશે જ્યારે મારી સાથે કાલે આપ કોફી પીશો...
અનોખી : વેરી સ્માર્ટ... આમ ફરીવાર મળવાનું બહાનું શોધી લીધું એમને??
પ્રિતમ : સજા તો મળશે જ..
અનોખી : હા,કબૂલ છે.હું કાલે ઓફીસથી ૫ વાગ્યે છુટીશ. ત્યાર બાદ મળીયે.
પ્રિતમ : ઓહ!! તો મેડમ,જોબ કરો છો..!! અદ્દભુત!!! તો ક્યાં છે આપની ઓફિસ?
અનોખી : હું બાંદ્રા વેસ્ટમાં આવેલી એક્ષિસ બેંકમાં કેશિયર છું.
પ્રિતમ : અરે વાહ! નાઇસ જોબ!! તો કાલે ત્યાંજ આવેલી "બરિશ્તા કેફે"માં મળીયે?
અનોખી : ડન..બાય દિ' વેય,આઇસ્ક્રિમ ખરેખર યમ્મી હતી...હવે ચાલો ખુબ મોડું થયું છે. વોર્ડન બરાડા પાડશે ખોટી...
પ્રિતમ : જો હુકૂમ.. હા ચાલો...
(કાર દોડાવી મૂકે છે, થોડી વારમાં ગર્લ્સ હોસ્ટેલ પાસે ગાડી ઊભી રહે છે )
પ્રિતમ : (અનોખીની તરફનો દરવાજો ખોલીને)
ચાલો મેડમ,આપનું ડેસ્ટીનેશન આવી ગયું.
અનોખી : (નીચે ઉતરીને) થેન્ક્યુ વેરી મચ ફોર ઓલ ધીસ...
પ્રિતમ : માય પ્લેઝર...
અનોખી : બાય. ગુડ નાઇટ... સી યુ ટુમોરો..
પ્રિતમ : ગુડ નાઇટ... ટેક કેયર..સ્વીટ ડ્રિમ..
બંનેને ખબર હતી કે આજે ડ્રિમ્સ તો સ્વીટ જોવાના છે,પરંતુ ખુલ્લી આંખે... બંન્ને પડખાં ઘસીને એકબીજાના વિચારોમાં રાત કાઢે છે. એલાર્મ વાગે છે પણ આજે આ બંન્નેને ઊંઘમાંથી નહીં અપિતુ એકબીજાના વિચારોમાંથી જગાડવા...બંન્ને ઉઠીને પોત-પોતાના કામે વળગે છે. આવે વખતે ઉજાગરાય નથી નડતા બોલો... ક્યાંથી આવે છે આવી એનર્જી? મહાદેવ જ જાણે... સારું થયું એકબીજાના નંબર આપ-લે નહોતા થયા. નહીંતર સાંજની કોફી,સવારે જ પીવાઇ જાત... હા હા..
આખરે એ ક્ષણ આવી જ ગઇ. બંન્ને "કેફે બરિશ્તા "માં મળે છે. અને અલક-મલકની વાતો કરે છે. એક-બીજાને જાણે છે,માણે છે. અને અહિંયાથી શરુઆત થાય છે,"અનોખીપ્રિત"ની સાવ નોખી કહાની....
આવતી કાલે મળવાના કોલ સાથે છુટ્ટા પડે છે.
આમ જેમ જેમ મુલાકાતો વધતી જાય છે, તેમ -તેમ બંન્નેની પ્રિત ઓર ગાઢ થતી જાય છે.આજે એમની પ્રિત આસમાન પર છે.
(પ્રિતમ ઓફિસમાં પોતાનું કામ કરી રહ્યો છે,ત્યાં એના મોબાઇલ પર એક વિડિયો ક્લીપ આવે છે,અને એ જોતાં જ પ્રિતમના પગ તળીયે થી જમીન સરકી જાય છે... એ તરત અનોખીને ફોન કરે છે.)
પ્રિતમ : (રિંગ વાગી રહી છે ) ફોન ઉપાડ યાર...
(ક્રમશઃ )