આપણા માટે બધા ઇનામ એપ્રિલફૂલ છે,
જિન્દગીનું જાણે બીજું નામ એપ્રિલફૂલ છે.
સૌને છેતરવાની વૃત્તિ માણસોના મૂળમાં,
સાવ ખોટેખોટું બસ, બદનામ એપ્રિલફૂલ છે.
જેટલા એમાં વસે છે એ બધાએ મૂર્ખ છે,
દોસ્ત, આખું ઝંખનાનું ગામ એપ્રિલફૂલ છે.
ઘોરઘન અંધારને સૂરજની લાલચ આપશે,
આ સમયનું માત્ર એક જ કામ એપ્રિલફૂલ છે.
એક સાંધુ ત્યાં જ તૂટે તેરસો ‘હરદ્વાર’ના,
એને માટૅ વર્ષ આખું આમ એપ્રિલફૂલ છે.
-હરદ્વાર ગોસ્વામી