સંધ્યાનું સુંદર દ્રશ્ય એના માટે નહોતું,
દુનિયામાં આવેલ નિષ્ક્રિયતા એના માટે નહોતી,
એને શું ફરક પડે જનતા કર્ફ્યૂથી ભલે ગમે તે થાય
૨૧ દિવસની રજાઓ એના માટે નહોતી.
એને કહેલું મેં એકાંતમાં એકવાર
ના બતાવ આટલો મોહ વારંવાર
તું પ્રેમમાં તણાઈ જઈશ અને પછી
બધા કરશે મનમાની અપરંપાર
એણે એ દિવસે ગુસ્સો કરેલો,
મારી સાથે સ્વવિચ્છેદ કરેલો,
આમ તો એક જ હતાં અમે છતાં
અણગમાથી મનમાં ભાર ભરેલો
કામકાજી મહિલા છીએ આપણે
કામ કરતા ક્યાં થાકીએ આપણે
છૂટ મળી હોય જો આટલી પૈસા કમાવવાની
શું પોતાના માટે આટલું ન કરીએ આપણે?
હજુ થોડોક જ સમય વિત્યો હતો,
એનો પણ સંયમ તૂટ્યો હતો,
પિસાઈ ગઈ એ બજેટ અને ફરમાઈશ વચ્ચે
એનો અહં વારંવાર તૂટ્યો હતો.
બાળકોને એનો વાંક દેખાતો હતો,
પતિદેવને બોજ વર્તાયો હતો
બધાને પ્રાઈવસી જરૂરી હોય
એમાં એનો વિચાર ક્યાં મનમાં આવ્યો હતો?
એક રાત્રે કરી એણે પ્રાર્થના મનોમન
આપ મને પણ એક મોકો કરવા મનોમંથન
કામથી નહિ તિરસ્કારથી હારી છું
દૂર કર પ્રભુ મારી આ મૂંઝવણ
બીજે દિવસે એ શાક લેવા નીકળી હતી,
એને થોડી ખાંસી અને છીક આવી હતી,
શરીર થોડું ગરમ પણ થયું હતું
કોઈ એ આની ફરિયાદ નોંધાવી હતી.
એને ૧૪ દિવસ એકાંત મળ્યું હતું
મારી સાથે એનું મિલન થયું હતું
છતાં એ યાદ કરતી હતી પરિવારને
એના મનમાં બસ એ જ વસ્યુ હતું
પૂજા ત્રિવેદી રાવલ
સ્મિત
©