● ગઝલ ● ઇલિયાસ શેખ
પગ તળે ધરતી અને માથા ઉપર આકાશ છે,
આટલું અણનમ રહે એ રીતનો પ્રયાસ છે.
હાથને ઉંચો કરું અંબાઇ જાતાં વાદળાં,
તું ઉભી હો એ જગાની વાત એવી ખાસ છે.
ચાલને ઘર-ઘર રમી ત્યાં આંબલીના છાંયડે,
બાજરીનો રોટલો 'ને માટલીમાં છાસ છે.
કેળના બે પાન વચ્ચે આપણું મળવું પછી,
આમ તો કેવળ ઉઘાડી આંખનો આભાસ છે.
નાનપણમાં તેં દીધેલાં શંખ દરિયો થઇ ગયાં,
જિંદગીનો જો પુછે તો આટલો ઇતિહાસ છે.
●●●