હરિ કથા- સત્સંગ
આજની બોધકથામાં પૂજ્ય બાપુએ કહ્યું કે -
એકવાર જતિ ગોરખનાથ રૈદાસજીનાં ઘરે જાય છે. બંને પરસ્પર અભિવાદન કરી જ્ઞાન અને યોગની ચર્ચા કરે છે. ગોરખનાથના કમંડળમાંથી જળ ખાલી થઈ ગયું છે. અને એમને તરસ લાગે છે. એટલે ગોરખનાથજી રૈદાસજી પાસે તૃષા છીપાવવા જળ માગે છે.
કહે છે કે એ વખતે રૈદાસજીએ પોતાના ચર્મ- કુંડમાંથી એમને કમંડળ કરી આપ્યું. હવે ગોરખનાથજી વિચારે છે કે ચર્મ- કુંડનું જળ કેમ કેવું? પોતે પી શકતા નથી અને અનાદર પણ કરી શકતા નથી. એટલે ગોરખનાથ એમ ને એમ જ, ભરેલું કમંડળ લઈને નીકળી જાય છે. રૈદાસજીએ મોકલેલા માર્ગદર્શક સાથે ગોરખનાથજી કબીરજીનાં ઘરે પહોંચે છે.
ગોરખનાથજીનાં કમંડળમાં રહેલું જળ, કબીરજીની દિકરી કમલી-કમાલી- પી જાય છે. જળનું પાન કરતાં જ એ ભીતરી શાંતિ અને ભિતરી પ્રસન્નતાને પામી જાય છે. અને કહે છે કે એને આંતર્-બાહ્ય ઉજાસ ની પ્રાપ્તિ થઈ ગઇ છે, શાંતિ અને પ્રસન્નતાનો જાણે તેને સાક્ષાત્કાર થાય છે.
ગોરખનાથજી ત્યાંથી વિદાય થાય છે. અને કેટલાક સમય પછી ફરી રૈદાસજીનાં ઘરે આવે છે. અને રૈદાસજી પાસે જળની માગણી કરે છે. ત્યારે રૈદાસજી કહે છે કે -
भूला जोगी फिरे दिवाना
तब तुम्हे अभिमान रहा।
पाया था तब पिया नहीं
वह पानी तो मुल्तान गया।
બાપુએ કહ્યું કે આ તો મહા પુરુષોએ આપણી સમજણ માટે રચેલી લીલા છે. પરંતુ તાત્પર્ય એ છે કે ભેદના કારણે અભેદાનુભૂતિ- અપરોક્ષાનુભૂતિ-ને ગોરખનાથજી ચૂકી જાય છે, જ્યારે કબીરની બેટી કમલી એને પામી જાય છે.
બાપુએ સમસ્ત વિશ્વ સાથે સંવાદ કરતા કહ્યું કે -
"આવો, આ એકાંતવાસમાં આપણે આપણી ખુદની શાંતિનું નિર્માણ કરીએ, ખુદની પ્રસન્નતાને પ્રગટવા દઈએ.
અંતમાં-
'સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા' ની પ્રાર્થના સાથે પૂજ્ય બાપુએ આજના સત્સંગને વિરામ આપ્યો.