હરિ કથા સત્સંગ
हमें कोई बिलग कर दें, ये कतई मुमकिन नहीं।
लेकिन हुक्मे खुदा है, तो कोई बात नहीं।
સંવાદ કરવાવાળાને કોઈ કદી જુદા પાડી શકે, એ શક્ય નથી. પણ જો પરમાત્માનો હુકમ હોય તો કોઈ શિકાયત પણ નથી!
બાપુએ કહ્યું કે પરમાત્મા આવો હુકમ કદી કરે જ નહીં. *પરમાત્મા સંવાદ અને સ્વીકારનું નામ છે. ખુદમાં પ્રગટેલી શાંતિ અને પ્રસન્નતા પરમાત્માનો પર્યાય છે.*
બાપુએ આ તકે કહ્યું કે -
"આપણને મળેલા એકાંતવાસનો આપણે સહુ સદુપયોગ કરીએ. હું સમજુ છું કે, આ કોઈ વાતો કરવાનો વખત નથી. છતાં મેં આપ ઉપક્રમ કેમ રચ્યો?"
પોતાના પ્રશ્નનો પોતે જ જવાબ આપતા બાપુએ કહ્યું કે -
"પ્રેમ કરવાની સૌની અલગ અલગ વિધા હોય છે. મંદિરમાં કોઈ ભક્ત ફૂલ ચઢાવીને તો કોઈ જળાભિષેક કરીને પરમાત્મા તરફનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. મા જગદંબાને ચુંદડી ચઢાવીને કોઈ ભક્ત પોતાની ભક્તિની અભિવ્યક્તિ કરે છે. કોઈ સંકેતથી કોઈ મુસ્કુરાહટથી, કોઈ બોલીને તો કોઈ મૌન રહીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે! કોઈ અલગ અલગ અદાઓથી, તો કોઈ ગળે લગાડીને પ્રેમ પ્રગટ કરે છે. *હું પુરા વિશ્વ ને પ્રેમ કરું છું. મારી રામકથા આપ સૌને પ્રેમ કરવા માટેની મારી વિધા છે! હું બીજી કઈ રીતે આપ સહુ પ્રત્યેની મારી મોહબ્બત પ્રકટ કરું? એટલે આ એકાંતવાસમાં પણ, હું આ રીતે આપ સૌ સાથે સહજ સંવાદ કરું છું!* શ્રોતવ્ય અને વક્તવ્ય એ વ્યવહારે ભેદ છે. પરમાર્થે નહીં. 'શ્રોતા-વક્તા જ્ઞાન નિધિ'.
યાદ રાખજો કે સંવાદ અને સ્વીકાર પરમાત્માનો પર્યાય છે! ભગવાન રામે સૌનો સ્વીકાર કર્યો, સહુ સાથે સંવાદ કર્યો, એટલે એને આપણે ભગવાન તરીકે સ્વીકાર્યા છે. પોતાને પોતાના પર ભરોસો હોવો જોઈએ!
એટલે જ આ રીતે હું આપને મળી લઉં છું. અને વિશ્વ પર આવેલાં સંકટમાં આપ સૌ સમક્ષ મારી સંવેદના અને મારે સ્નેહ પ્રગટ કરું છું!
न मे जाति भेद:। - મને કોઈ જાતિ- ભેદ નથી. ભીતરી શાંતિ અને ભીતરી પ્રસન્નતા એને જ પ્રાપ્ત થાય છે, જેનામાંથી આ ભેદ ટળી ગયો હોય! વેદમાં अभेदानुभूति, अपरोक्षानुभूति, आनंदानुभूति, ईश्वरानुभूति - જેવાં સૂત્રો છે. જ્યારે આપણે ભેદથી મુક્ત થઈએ, ત્યારે જ આપણને અભેદાનુભૂતિનો અનુભવ થાય છે. જે આપણને એવી શાશ્વત શાંતિ અને સદૈવ પ્રસન્નતાનું વરદાન આપે છે, જે ખુદમાંથી ખુદ માટે જ નિર્માણ થઈ હોય છે!
ભેદ આવે છે, ત્યાં જ વાત બગડે છે.