હરિ કથા સત્સંગ
*સંવાદ અને સ્વીકાર પરમાત્માનો પર્યાય છે.*
આજના કથા સત્સંગના પ્રારંભે પૂજ્ય બાપુએ સુરત સ્થિત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 'ઓશોચેર' ની સ્થાપના પ્રસંગે, પોતે OSHO નો જે અર્થ કરેલો, તેનું સ્મરણ કરતા કહ્યું કે -
OSHO એટલે *'own silent happiness own'.*
પોતાની ખુદની શાંતિ, પોતાનું ખુદનું મૌન અને ખુદની પ્રસન્નતા - ઉધાર નહીં! એ જેનામાં પણ આવી જાય એ ઓશો છે!
આપણે જ્યારે શાંતિની વાતો કરીએ છીએ અને શાંત રહેવાનો ઉપદેશ આપીએ છીએ, ત્યારે આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે - 'આપણે આપણી નીજી શાંતિમાં છીએ ખરા?'
જગદ્ગુરુ શંકરાચાર્ય કહે છે -
एकांते सुखमास्यताम्। -
એ સ્થિતિ અનાયાસ જ આપણને મળી ગઈ છે. એવા સમયે આપણે ચિંતન કરીએ કે શું આપણી શાંતિ આપણી પોતાની છે? શાંતિ તો સ્મશાનમાં પણ હોય છે! મજબૂરીમાં ય શાંતિ રાખવી પડતી હોય છે. કોઈ મજબૂત કે ક્રૂર કર્મ કરનારો આદમી આપણને ડરાવીને પણ શાંત કરાવી શકે છે. કેટલીક વિશેષ પરિસ્થિતિ આપણે ચૂપ રહેવા મજબૂર કરી દે છે.
मैंने आंखोंसे देखा है
मैंने कानोंसे सुना है।
शराफत यहि कहती है
कि मैं अपनी जूबां नहीं खोलुं।
આપણે કૈંક જોયું કે સાંભળ્યું હોય, પણ આપણી શાલીનતા,શરાફત કે ખાનદાનીએ આપણને શીખવેલા વિવેકથી આપણે કોઈનું રહસ્ય ખોલતા નથી-શાંત રહીએ છીએ. આમ, આપણે કેટલીય રીતે શાંત રહેવું પડે છે. પણ તે શાંતિ ઉધાર છે, આપણી પોતાની નથી! તે જ રીતે આપણો આનંદ, આપણી પ્રસન્નતા પણ આપણી પોતાની હોવી જોઈએ. બાળકને રમકડું આપીએ અને બાળક ખુશ થઇ જાય છે. બાળક એ નથી સમજતું કે રમકડું બાળક માટે છે, બાળક રમકડા માટે નથી! આપણે વિચારવાનું છે કે આપણી પ્રસન્નતા કોઇ ઘટના, કોઇ વસ્તુ કે દેશ-કાળને કારણે તો નથી ને! બુદ્ધ પુરુષ આઠે પહોર આનંદમાં ત્યારે જ રહે છે, જ્યારે તેની પ્રસન્નતા ભીતરથી પ્રગટેલી હોય.
૨૧ દિવસનો એકાંતવાસ આપણને સહુને મળ્યો છે. એમાં આપણે વિચારીએ. બની શકે કે આપણું આત્મચિંતન આપણને બળ પ્રદાન કરે! *જે પોતાનું ન હોય, જે ઉધાર હોય તે શાશ્વત નથી હોતું, તે તૂટી જાય છે!* માનસની ચોપાઈ છે -
निज सुख बिनु मन होहि न धीरा।
परस कि हो बिहि न समिरा।।
જ્યાં સુધી વ્યક્તિને પોતાનું ભીતરનું મૌલિક નથી મળતું ત્યાં સુધી વ્યક્તિનું સુખ સ્થિર નથી હોતું.
સંવાદને આગળ વધારતા બાપુએ કહ્યું કે શ્રોતા- વક્તા, શ્રોતવ્ય-વક્તવ્ય- એ વ્યવહારમાં ભેદમય લાગે છે. પારમાર્થિક રૂપમાં એમાં કોઈ ભેદ નથી. ગુરુ-શિષ્ય પણ વ્યવહાર-ભેદે છે. પરમાર્થ કે અધ્યાત્મ જગતમાં બંને એક જ છે! જગદ્ગુરુ શંકરાચાર્ય કહે છે કે -
गुरुर्नैवशिष्य: चिदानंद रुपो शिवोङहं शिवोङहम्।
ભરૂચ મનન આશ્રમના પૂજ્ય સ્વામી તદ્રુપાનંદજીનું સ્મરણ કરતા પૂજ્ય બાપુએ એમના શબ્દો ટાંક્યા કે-
'સંવાદ કરવા વાળાને કોઈ કદીએ અલગ ન પાડી શકે.'
ગોસ્વામીજી પણ કહે છે કે -
श्रोता वक्ता ज्ञाननिधि।
બંને એક ભૂમિકા - એક જ અવસ્થા- માં છે. તત્વતઃ કોઇ ભેદ નથી. જીવન અને મૃત્યુમાં પણ કોઈ ભેદ નથી. એટલે શંકર કહે છે -
न मे मृत्यु शंका न मे जाति भेद:। સંવાદ કરનારમાં એક ભલે શ્રેષ્ઠ હોય, અને એક ભલે પોતાને અજ્ઞાની સમજતો હોય, તત્વત: બંનેમાં કોઈ ભેદ નથી! ગુરુ જ શિષ્યમાં પોતાની જાતને પૂરેપૂરી ઉતારીને આત્મજ્યોતિ પ્રગટ કરે છે. અને એ જ્યોતિમાં સમસ્ત ભેદ નાશ પામે છે.