રાધા સમી વ્હાલી સખી છોડી જવું પડશે ખબર ના હતી
ગોકુળ મથુરાની ગલી છૉડી જવું પડશે ખબર ના હતી
સુનકાર થઇ જાશે યમુનાનો કિનારોને ગલી વ્રજની
કાનાને ગમતી વાંસળી છોડી જવું પડશે ખબર ના હતી
એનો સખો એવો સુદામો કોણ જાણે ક્યાં મળશે ફરી
તાંદુલની મીઠી પોટલી છોડી જવું પડશે ખબર ના હતી
બોલે છે એના બોર વ્હેચાઇ છે એ અર્જુનને સમજાવવાં
ગીતાને નામે ચોપડી છોડી જવું પડશે ખબર ના હતી
એ ચક્રધરની શું છે પીડા વાંસળી એક જ સમજતી હતી
સુર છેડતી એ આંગળી છોડી જવું પડશે ખબર ના હતી
એ એકસોને આઠ ગોપીના ઘણીને ના મળી રાધિકે
વિરહી જીવનની વાટડી છોડી જવું પડશે ખબર ના હતી
મીરાનો મોહન,શ્યામ રાધાનો બન્યો ને દ્રૌપદીનો સખો
સંબંધની એ ત્રીપદી છોડી જવું પડશે ખબર ના હતી
-નરેશ કે.ડૉડીયા