આ ઘરના ચાર ખૂણાઓ ચાર ધામ લાગે,
શેરી, મહોલ્લો, ઓફીસ -સઘળું હરામ લાગે.
હરએક કણ નિહાળું તારું જ ધામ લાગે,
મારુ જે માનતો'તો, તારું તમામ લાગે.
એ પણ ખરું કે જ્યારે ના સામ-દામ લાગે,
તો દંડ-ભેદ કેવળ, આખરમાં કામ લાગે.
કેવો આ કહેર જેમાં સૌને વિરામ લાગે?
આ શહેરમાં તો આઘેથી રામરામ લાગે.
ખુદને આ રીતે પહેલા નહોતો મળ્યો કદાપિ,
ખુદથી મિલન આ મારું, તારું જ કામ લાગે.
એક ગામ છોડી બીજા ગામે ગયો તો સમજ્યો,
હાલત અમારા જેવી તો ગામેગામ લાગે.
-મયૂર કોલડિયા