અરીસાને ફોડીને ભાગી નીકળીએ !
પ્રતિબિંબ છોડીને ભાગી નીકળીએ !
ઘણું જીતવામાં બધું હારી બેઠાં
મુરાદો મરોડીને ભાગી નીકળીએ !
મૂકી દોટ પડછાયો પાછળ પડ્યો છે ;
મૂઠી વાળી, દોડીને ભાગી નીકળીએ !
લીલીછમ્મ ઈચ્છાના ખેતરને છોડી ;
ખોડીબારું ખોડીને ભાગી નીકળીએ !
ચરણ લઈ જશે ક્યાં એ કોને ખબર છે ?
ચલો, હાથ જોડીને ભાગી નીકળીએ !
ભરત ભટ્ટ