મરણ
બાબુ સુથાર
---
આજે મધરાતે એકાએક આંખ ખૂલી ગઈ
જોઉં છું તો મારી આસપાસ મારા ગામની ટેકરીઓ!
“અરે, તમે ક્યાંથી અહીં?” હું પૂછું એમને એ પહેલાં તો
એક ટેકરીએ મને બે પાણા આપ્યા
ઓહ, આ બે પાણા ઘસીને હું
ચકમક ચકમક રમતો હતો.
મને યાદ આવ્યું.
ટેકરી એ પાણા પાછા લઈ લે
એ પહેલાં મેં એમને મૂકી દીધા
મારા ખિસ્સામાં.
બીજી એક ટેકરીએ મને
આવળની એક ડાળખી આપી.
"ઓહ, કેટલા વરસે આવી મારી માસીની દીકરી."
એમ કહી હું એ ડાળખીનાં ફૂલો વચ્ચે થઈને
એક લહેરખીની જેમ નીકળી ગયો
જોત જોતામાં મારું આખું ય ડીલ
નિરોગી થઈ ગયું.
મેં આભાર માની એ ડાળખીને મારા ઓશીકે મૂકી.
એ દરમિયાન, ત્રીજી ટેકરીએ હળવે રહીને
મારા ઢીંચણ પર એક કાચંડો મૂક્યો.
અરે, આ તો પેલો...
હું તને જ પૂછતો હતો ને કે
“વરસાદ આવશે કે નહીં?”
કાચંડાએ ડોકી હલાવીને હા પાડી ને
હું એવો તો હરખાઈ ગયો કે
મેં મારી ઓરડીમાં જ
કૂદાકૂદ કરી મૂકી.
એટલામાં ચોથી ટેકરીએ હાથ લંબાવી
મારા હાથમાં પકડાવી દીધી એક કુહાડી.
ઓહ, આ તો મારી માની કુહાડી
મારા બાપા જેની ધાર કાઢતા હતા એ.
મને એને ઓળખતાં વાર ન લાગી.
હું કુહાડીના હાથાને અડકીને મારી માની હથેળીને અડક્યો
હું એ કુહાડીની ધારને અડકી મારા બાપાના કાંડાને અડક્યો.
હવે મને લાલચ થઈ
મારા ગામની આાસપાસ તો ઘણી ટેકરીઓ હતી
મને થયું: બધી જ આવી હશેને મને મળવા?
હું રાહ જોવા લાગ્યો
હવે કઈ ટેકરી શું આપશે મને.
ત્યાં જ
હું ઝાકળનું એક બુંદ બનીને
બેસી ગયો કેસૂડાના એક ફૂલ પર.
સવારે સાત ઘોડાના ગાલ્લે બેસીને મને તેડવા આવ્યા મારા દાદા
મને ખબર પણ ન પડી કે
હું ક્યારે અહીં આવી ચડ્યો.
ચાલો તો હવે
મારે વિશ્વકર્મા દાદાના હોકાનું પાણી બદલવાનું છે જરા
પછી મળીએ આપણે…