Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શિવજીનાં પરસેવાથી થયો હતો મંગળનો જન્મ, આ કારણે છે તેનો રંગ લાલ

ઉજ્જૈન એક અત્યંત પ્રાચીન શહેર છે. આ શહેર રાજા વિક્રમાદિત્યનાં રાજ્યની રાજધાની હતી. આ શહેરને ‘કાલિદાસની નગરી’નાં નામે પણ ઓળખવામાં આવે છે. અહીં દર 12 વર્ષે કુંભ મેળો યોજાય છે. ભગવાન શિવનાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક મહાકાલ આ નગરીમાં છે. આ ધાર્મિક નગરીનું મહત્વ શ્રૃતિથી લઇને બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ, પાલી ગ્રંથ અને ઉપનિષદોમાં પણ વર્ણવામાં આવ્યું છે. ઉજ્જૈન નગરી પાપનો નાશ કરનાર અને મોક્ષ આપનાર માનવામાં આવે છે.

ઉજ્જૈનમાં મહાકાલની સાથે મંગલનાથનું એક મંદિર પણ છે. પુરાણો પ્રમાણે ઉજ્જૈન નગરીને મંગલની જનની પણ કહેવામાં આવે છે. એવા લોકો જેમની કુંડળીમાં મંગળ ભારે રહે છે તેઓ ગ્રહોની શાંતિ માટે અહીં પૂજા-પાઠ કરવા આવે છે. આમ તો દેશમાં મંગળ ભગવાનનાં ઘણાં મંદિર છે, પરંતુ ઉજ્જૈન તેમનું જન્મસ્થાન હોવાને કારણે અહીં કરવામાં આવેલી પૂજાનું ખાસ મહત્વ છે.

લોકોની માન્યતાઓ પ્રમાણે આ મંદિર સદીઓ જુનું છે. સિંધિયા રાજમાં આ મંદિરનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. ઉજ્જૈન નગરીને ભગવાન મહાકાલની નગરી કહેવામાં આવે છે, માટે અહીં મંગલનાથ ભગવાનની શિવરૂપી પ્રતિમાની પૂજા કરવામાં આવે છે. દર મંગળવારે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવે છે.

પૌરાણિક કથાઓ પ્રમાણે એક અંધકાસુર નામનો અસુર હતો. ભગવાન શિવે તેને વરદાન આપ્યું હતું કે તેના લોહીથી સેંકડો દૈત્યો જન્મ લેશે. વરદાન પછી આ દૈત્યએ અવંતિકામાં તબાહી મચાવી હતી, ત્યારે પીડિતોએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. ભક્તોનાં સંકટ દૂર કરવા માટે ભગવાન શંકરે સ્વયં અંધકાસુર સાથે યુદ્ધ કર્યું હતું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. શિવજીનો પરસેવો વહેવા લાગ્યો. તેમના પરસેવાનાં ટીંપાઓની ગરમીને કારણે ઉજ્જૈનની ધરતી બે ભાગોમાં વિભાજિત થઇ ગઇ હતી અને મંગળ ગ્રહ ઉત્પન્ન થયો હતો. શિવજીએ દૈત્યનો સંહાર કર્યો અને તેના લોહીનાં ટીંપાઓને મંગળ ગ્રહે પોતાનામાં સમાવી લીધા. સ્કંધ પુરાણનાં અવંતિકા ખંડ અનુસાર આ કારણે મંગળ ગ્રહની ધરતી લાલ છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111361485
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now