જો હથેળીમાં હોય આવી રેખાઓ તો નથી થતી શનિ મંગળની ખરાબ અસરો
હાથની રેખાઓ વ્યક્તિ માટે એક એવી વસ્તુ છે કે જેના દ્વારા જીવનના ઘણાં ગૂઢ રહસ્યો છતાં થઈ શકે છે. જો કે જ્યાં સુધી જ્યોતિષશાસ્ત્રનો મુદ્દો છે તો મંગળ અને શનિનો ઉલ્લેખ ન થાય તેવું ન બને. જીવનમાં સૌથી વધું તકલીફો જો વાત કરીએ તો શનિ મંગળ દ્વારા આવતી હોય છે. જ્યારે જે ગ્રહ નથી પણ છાયા ગ્રહ છે તેવા રાહુ કેતુ પણ આ બંને ગ્રહોથી પણ વધું ખતરનાક સાબિત થતાં હોય છે. આજે આપણે એ વિશે જાણીશું કે માનવી કેવી રેખાઓ ધરાવતો હોય તો તેને શનિ અને મંગળ જેવા પાપ ગ્રહની નકારાત્મક અસરોનો ભોગ બનવું પડતું નથી. શું હોય છે હાથમાં આ ચિહ્નો, જેથી સાડાસાતી અને ઢૈય્યા પણ નથી આપતી ખરાબ ફળ…
તમે બધાં જ જાણો છો કે હથેળીમાં મુખ્ય ત્રણ રેખાઓ હોય છે તેમાં જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હૃદય રેખાનો સમાવેશ થાય છે. આ રેખાઓ સામાન્ય રીતે દરેક માનવીની હથેળીમાં હોય છે. જીવન રેખાને વ્યક્તિના આયુષ્ય વિશે જોડીને જોવામાં આવે છે. પણ આ જીવન રેખાની બાજુમાં રહેલી રેખાઓ કે જે આપણે સિસ્ટર લાઈન કહીએ છીએ તે વાસ્તવમાં મંગળરેખાઓ હોય છે. જેની હથેળીમાં આવી મંગળ રેખાઓ હોય કે મંગળ ગ્રહ ઉપસેલો હોય તેને ગણપતિ કે હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત હોય છે. તેથી મંગળ ગ્રહ તેમનું કશું બગાડી શકતો નથી.
આ ઉપરાંત જો હાથમાં મસ્તિષ્ક રેખા પણ બે ભાગમાં વહેંચાયેલી હોય તે મંગળ ઉપસેલો હોય, કે મસ્તિષ્ક રેખા પર રેખાઓનું જાળું ન હોય, હાથ ભારે હોય અને આંગળીયો એકદમ સીધીસટ હોય, તેમાંયે ખાસ કરીને શનિની આંગળી વળેલી ન હોય કે ત્રાંસી ન હોય તો આવી વ્યક્તિઓને શનિની મહાદશા કે સાડાસાતીનો કુપ્રભાવ જોવા મળતો નથી.
હથેળીમાં અંગૂઠા નીચેના ભાગને મંગળ પર્વત કહેવામાં આવે છે. જો હથેળીમાં મંગળ પર્વત પર શંખનું ચિહ્ન હોય તો પણ હનુમાનજીની વિશેષ કૃપા વ્યક્તિ પર બની રહે છે. તેને શનિ નડતો નથી. વળી જો મંગળરેખા એકદમ સ્પષ્ટ હોય અને તેને રાહુ રેખા ન કાપતી હોય તો પણ વ્યક્તિ શનિ દશાની અસરથી બચી જાય છે.
જો શનિ ગ્રહની નીચે પસાર થતી હૃદય રેખા એકદમ સ્પષ્ટ હોય અને તેના પર કમળ કે ત્રિકોણનું ચિહ્ન સ્પષ્ટ રૂપે જોવા મળે તો તે વ્યક્તિ પર કોઈ દેવકૃપા હોય છે. તેને કારણે તેને એક અદ્રશ્ય કવચની પ્રાપ્તિ હોય છે આવી વ્યક્તિઓનું પણ શનિ કઈં બગાડી શકતો નથી.
જો કોઈના હાથમાં હૃદય રેખાની ઉપર 3 સીધી રેખાઓ બનતી હોય અને શનિની આંગળી એકદમ સીધી હોય તેમજ મંગળ ગ્રહ ઉપસેલો હોય તો આવા વ્યક્તિ હનુમાનજીની વિશેષ કૃપાને મેળવવા પાત્ર હોય છે. કહેવાય છે કે આવી રેખાઓ જો હોય તો તેના પર દેવી કૃપા વિશેષ જોવા મળે છે.
જો હથેળીમાં ભાગ્ય રેખા હોય અને તે શનિના પહાડથી લઈને છેક નીચે મણિબંધ સુધી જતી હોય અને શનિની આંગળી એકદમ સીધી હોય તો આવી વ્યક્તિઓ પણ નસીબદાર હોય છે અને તે શનિ અને મંગળના દુષ્પ્રભાવથી મુક્ત રહે છે.