મહિલા દિવસ..!!
હું સ્ત્રી છું…
તમે ચાહો તો મારા ગાલને તમારી હથેળીઓ વચ્ચે પકડી
થેંક યુ કહ્યાં વિના હળવેથી ચૂમી શકો છો
‘તું ખુશ છે?’ આવું પૂછી શકો છો
મારા સપનાંઓ પૂરા નહીં કરી આપો તો ચાલશે
હું એને પૂરા કરી લઇશ
પણ જે આંખોમાં એ સચવાયા છે
એની ભીનાશનું કારણ ન બનશો તમે…
ભીનાં થઇ ગયેલા સપનાંઓને સૂકવવા
હવાને બદલે શ્વાસની જરૂર પડતી હોય છે..!!
તમે ચાહો તો મને રોપી શકો છો
એક ખાલી કૂંડામાં…!!
કૂંડામાં ઝાડ નહીં છોડ જ ઉગી શકે…
એ માન્યતાને હું ખોટી પાડી શકીશ…!!
તમને જરૂર પડશે મારી
તમારા મન માટે, તમારા શરીર માટે
તમારા ઘર અને તમારા બાળકો માટે..!
હું તમારા ઘરનો સામાન નથી, કે તમે મને અભરાઇએ ચઢાવી દો
હું શ્વાસ છું, ઘરની હવામાં વર્તાયા કરું છું…!
સ્ત્રીપણાંનાં અભિમાનથી પીડાતી મને
મહિલા દિવસની શુભેચ્છા ન આપશો તો ચાલશે
કારણ કે,
જ્યારે-જ્યારે હું મારા પોતાના માટે જીવી લઉં છું
એ પ્રત્યેક દિવસને મહિલા દિવસ તરીકે ઉજવી જ લેતી હોઉં છું…!!
-એષા દાદાવાળા