#સ્વતંત્રતા
અદ્શ્ય પિંજરુ
સુનિતાએ તેના બંગલાની બહાર પાંજરામાં રહેલાં પક્ષીઓ વેચતા ફેરિયાને બોલાવી બધા જ પાંજરા ખરીદી લીધા.
એના પછી એક બાદ એક પક્ષીને તેણે પાંજરું ખોલી ખોલીને ઊડાડી મૂકયાં.સ્વતંત્રતાની હવામાં ઊડતા પંખીઓને તે કયાંય સુધી જોઈ રહી.
પછી તેની નજર એના આલિશાન બંગલા પર પડી.
'આ પિંજરાનું શું?'
એક ઊંડો નિસાસો એનાથી નંખાઈ ગયો.
બંગલાનો મુખ્ય દરવાજો બંધ થવાનો અવાજ તેની પીઠ પાછળ અથડાયો. પંખી ફરી પિંજરામાં પુરાઈ ગયું.
શરદ ત્રિવેદી