હર્ષાનો નિર્ણય
'મારે સગાઈ નથી રાખવી,તોડી નાંખવી છે?'હર્ષાએ એના મમ્મી-પપ્પાને જણાવ્યું.
'કેમ?'મમ્મીએ પૂછ્યું.
'બસ,નથી રાખવી એટલે નથી રાખવી.એની જાતને એ સમજે છે શું?'હર્ષાએ કહ્યું.
'કોણ એની જાતને,શું સમજે છે?,બેટા.સમજાય એવી વાત કર'હર્ષાની મમ્મી રાજુલબેન બોલ્યાં.
'એ ધિરેન,બીજું કોણ?'
'પણ શું થયું?ધિરેનકુમારે તને કશું કહ્યું?'રાજુલબેને હર્ષાને પૂછ્યું.
'હવે ધિરેનકુમાર બીજું કંઈ નહી,ધિરેનીયો કહો,મને કહે છે તારા પપ્પા પાસે પૈસા ન હોય તો પૈસા હું આપું,પણ નિયમિત ફોન કરવાનો.એ એવું કઈ જ કેવી રીતે શકે?'
'બસ આટલી અમથી વાતમાં આવો નિર્ણય ન લેવાય બેટા.જરા સમજ.તું હવે નાની નથી.આવું તો જીવનમાં ઘણું થશે.થોડું ઘણું સહન કરવું જ પડે.એમાં સગાઈ ના તોડાય.લગ્ન થઈ ગયાં પછી એ આવું બોલે તો શું લગ્ન તોડી નાંખવાના?'રાજુલબેને એમની અનુભવવાણીમાં દીકરીને શિખામણ આપી.
'મમ્મી,હજુ સગાઈ જ થઈ છે.લગ્ન નથી થયાં.હાલથી એની માનસિકતા આવી છે.પૈસાનું અભિમાન ન જોઈએ.વળી એને ખબર છે મારા પપ્પા પ્રોફેસર છે.પૈસાની મારે કમી નથી,પણ ફોન કરતી વખતે વિવેકભાન પણ રાખવું પડેને?આખો દિવસ ફોન જ કર્યા કરવાનો? આજે ફોન માટે આવું બોલે છે,પછી ગમે તે બાબતે આવું બોલે.શું ચલાવી લેવાનું?'
'એમ ઉતાવળીયો નિર્ણય ન લેવાય.આ રમત નથી.સગાઈ છે.સમાજમાં પણ કેવી છાપ પડે.આટલી અમથી વાતમાં સગાઈ તોડી.છોકરી તો ન સમજે પણ મા-બાપ પણ ન સમજ્યાં.સમાજ આખામાં થૂ-થૂ થઈ જાય છોકરી.હાલ તું તારું કામ કર.ગુસ્સો ઉતરે એટલે પછી શાંતિથી વિચારીશ એટલે વાંધો નહી આવે' રાજુલબેને કહ્યું.
'મમ્મી,મેં વિચારીને નિર્ણય લીધો છે.જે છોકરો હાલથી જ મારા પપ્પાનું માન નથી રાખતો એ પાછળથી શું કરે કોને ખબર?મારો નિર્ણય અફર છે'હર્ષાના અવાજમાં મક્કમતા હતી.
એ પછી હર્ષાએ ધિરેન સાથે ફોન પર વાત કરવાની બંધ કરી.ધિરેનના ફોન આવ્યાં પણ હર્ષાએ રીસીવ જ ન કર્યા.
ચારેક મહિના થઈ ગયાં.હર્ષાના નિર્ણયમાં કોઈ ફેરફાર ન થયો.નવનીતરાયને પોતાની દીકરીના નિર્ણય પર ગર્વ હતો.'તમે જ છોકરીને ફટાડી છે'એમ કહીરાજુલબેન કમને સહમત થયાં.આખરે આટલી નાની અમથી વાતમાં લગ્નજીવન શરુ થાય એના પહેલાં સગાઈ તૂટી ગઈ.
આટલી અમથી વાતમાં હર્ષા અને ધિરેનના રસ્તા અલગ થઈ ગયાં.આટલી અમથી વાતમાં આવું કરાય?તમે શું માનો છો?હર્ષાનો નિર્ણય સાચો હતો કે ખોટો?