પાણીના પાઉચ
રાત્રીના બાર વાગી ચૂક્યાં હતા.તમે ટ્રેનમાં સફર કરી રહ્યાં હતાં.ઉનાળાના દિવસો હતાં.વાતાવરણમાં બફારાનું પ્રમાણ વિશેષ હતું.આખો દિવસ અગન જ્વાળાઓ વરસાવી સૂર્યદેવતા તો ચાલ્યા ગયા હતાં,પણ એ અગન જ્વાળાઓ રાત્રિના બાર વાગે પણ દેહ દઝાડતી હતી.તમે સાથે લીધેલી પાણીની બોટલ તો ક્યારનીય ખલાસ થઈ ચૂકી હતી.તમને સખત તરસ લાગી હતી.
સ્ટેશન આવ્યું.ટ્રેન એક મિનિટ માટે ઊભી રહેવાની હતી.તમે બારીની બાજુની સીટમાં બેઠેલા હતાં એટલે 'પાણીનું પાઉચ,પાણીનું પાઉચ'ની બૂમો પાડતો છોકરો જેવો તમારી પાસે આવ્યો તમે એની પાસેથી પાણીના ચાર પાઉચ લઈ લીધાં અને પાણીના પાઉચના પૈસા છોકરાને આપવા તમે બારી બહાર હાથ લંબાવ્યો,
ત્યાં એ છોકરાએ કહ્યું 'ના, સાહેબ પૈસા નથી જોઈતા.'
તમે તરત જ પૂછ્યું 'કેમ ભાઈ, પાણીના પાઉચ આપે છે તો પૈસા તો લેવા જ પડે ને!'
એણે કહ્યું 'ના સાહેબ હું તમારી પાસે ભણેલો છું. તમારા પૈસા મારાથી ના લેવાય'
તમે ચોંકયા. તમારી પાસે ભણેલો એ છોકરો હવે મોટો થઇ ગયો હતો એટલે તમે એને ઓળખી શક્યાં ન હતાં પણ એણે રેલવેના ડબાના આછા પ્રકાશમાં પણ તમને ઓળખી કાઢેલા.
તમે કહ્યું 'મેં તને ભણાવેલો હોય અને તું પાણીના પાઉચ વેચતો હોય તો તારે મારી પાસેથી પાઉચની દસ ગણી કિંમત વસૂલ કરવી જોઈએ, મેં તને બરાબર ભણાવ્યો નહિ એટલે તારે પાઉચ વેચવાના દિવસો આવ્યાં'ઉદાસી તમારા ચહેરા પર ટપકતી હતી.
છોકરાએ કહ્યું 'ના,એવું નથી તમે ઘણાને ભણાવ્યા છે અને ઘણા આગળ પણ વધ્યા છે. સાહેબ સારું છે કે હું મજૂરી કરીને મારુ ગુજરાન ચલાવું છુ, નહી તો રેલવે સ્ટેશન પર પાકીટ ચોર પણ તમે જોયાં હશે. તમારા શિક્ષણના પ્રતાપે મને એટલી તો ખબર પડી છે કે માણસે મહેનત કરીને રોટલો ખાવો જોઈએ. મહેનત કરવાનું તમે શિખવાડ્યું છે એટલે વાંધો નહીં આવે સાહેબ,હું પણ એક દિવસ આગળ વધી જઈશ'રેલવે સ્ટેશનના ઝાંખા પ્રકાશમાં તમે એ છોકરાના ચહેરા પર ખુમારી જોઈ શક્યાં.
એક મિનિટનો સમય પૂરો થયો.ટ્રેન ઉપડી ગઇ. છોકરાએ ટ્રેનની સાથે દોડતાં દોડતાં તમને 'આવજો સાહેબ' કહ્યું અને તે ફરી બીજી ટ્રેન આવે એટલે પાણીના પાઉચ વેચાવાની રાહ જોવા લાગ્યો.તમે તેને આપવા માટે કાઢેલો પાંચનો સિક્કો સાચવીને તમારા ખિસ્સામાં મૂકી દીધો.એક વિદ્યાર્થી દ્વારા એક શિક્ષકને અપાયેલી એ કદાચ સૌથી શ્રેષ્ઠ ભેટ હતી અને એના દ્વારા બોલાયેલાં શબ્દો શિક્ષકનું શ્રેષ્ઠ સન્માન