ઘરના ઉંમરામાં રોજ પૂરો સાથીયા, ગણેશજી કાયમ કરશે શુભ
હિંદુ ધર્મમાં કેટલાંક પ્રતિકો અને ચિહ્નોનું વિશેષ મહત્વ છે. જેવા કે ૐ, ત્રિશૂળ, સ્વસ્તિ(સાથીયો), ચોક્કસ પ્રકારની નિશાનીઓ, દેવી પગલાં. આ તમામ નિશાનીઓ શુભ છે તે શુભત્વ સાથે જોડાયેલી છે. આમછતાં સાથિયાને અત્યંત મંગળકારી ચિન્હ માનવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત સાથિયો કરીને કરવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર સ્વસ્તિક ગણેશજીનું સ્વરૂપ છે તે શુભ કાર્યમાં આવનારી બાધાને અટકાવી દે છે. સ્વસ્તિક દેવી લક્ષ્મીનું પણ પ્રતિક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ સ્વસ્તિકના કેટલાક પ્રયોગ દર્શાવ્યા છે, જેને કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં વાસ થાય છે.
1. ઘરની બહાર કંકુથી સ્વસ્તિક રોજ કરવો જોઈએ, તેનાથી દેવી લક્ષ્મીને ઘરમાં આવવાનું આમંત્રણ મળે છે.
2. સાત ગુરુવાર સુધી ઘરના ઈશાન ખૂણાને ગંગાજળથી પવિત્ર કરી અને ત્યાં હળદરથી સ્વસ્તિક કરવું અને તેને ગોળનો ભોગ ધરાવવો, વેપારમાં ઉન્નતિ થશે.
3. સાથિયો બનાવી અને તેના પર ઈષ્ટદેવની મૂર્તિ રાખી તેની પૂજા કરવી. ઈષ્ટદેવ ઝડપથી પ્રસન્ન થાય છે.
4. પૂજા કરતાં હોય ત્યાં સાથિયો કરી અને તેના પર દીવો પ્રગટાવવાથી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે.
5. મનોકામના પૂર્તિ માટે મંદિરમાં જઈ ઊંધો સાથિયો કરવો, ઈચ્છાપૂર્તિ પછી ત્યાં જઈ સીધો સાથિયો કરી આવવો.
6. અનિંદ્રા અને ખરાબ સપનાનો ભય દૂર કરવા માટે સૂતાં પહેલા ઘરની પૂર્વ દિશામાં સાથિયો બનાવવો.
7. ઘરમાંથી ક્લેશ દૂર કરવા માટે ગાયના છાણથી સ્વસ્તિક કરવો.
8. ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સાથિયો કરી અને તેની પૂજા કરવી જોઈએ. તેનાથી ધન લાભ થાય છે.
9. ઈશાન ખૂણાની દીવાલ પર હળદરથી સાથિયો કરવો, આમ કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.