ગઝલ..આવજો કહેવું પડે..
જડભરત શી માન્યતાને આવજો કહેવું પડે.
ખોખલી કંઈ સભ્યતાને આવજો કહેવું પડે.
આંગળીના ટેરવા પર પ્રશ્ન ગોથા મારતાં,
વેંત છેટી શક્યતાને આવજો કહેવું પડે.
આંખની પાછળ ભર્યો છે એક દરિયો વ્હાલનો,
આસુંઓની ધન્યતાને આવજો કહેવું પડે.
ભીડમાં સંતાપ લઈને દોડતાં હાંફી ગયાં,
એ પછીની શૂન્યતાને આવજો કહેવું પડે.
સાદગીના વલ્કલો પહેરી અને ઊભાં છીએ,
હાથ વેંગી ભવ્યતાને આવજો કહેવું પડે...
પારુલ બારોટ....