મધ્યમા અને અનામિકા આંગળી વચ્ચે વધારે અંતર હોય તેવી વ્યક્તિ મનમાં ધારેલું કાર્ય કરીને જ જંપે છે
હથેળીમાં રહેલા વિવિધ પર્વતો, રેખાઓ અને ચિહ્નો દ્વારા જેમ વ્યક્તિ તેની લાક્ષણિકતાઓ, સ્વભાવ તથા ભવિષ્ય વિષયક નિર્દેશન થઇ શકે છે તે જ રીતે આંગળીઓ વચ્ચેનું અંતર પણ વ્યક્તિગત સ્વભાવનું નિરૂપણ કરી શકે છે.
હાથ ઉઘાડો કરી આંખની સામે ઊંચો કરી જોવાથી આંગળીઓ એકબીજાથી મળેલી દેખાય. આંગળીઓની વચ્ચે અંતર ન દેખાતું હોય તો તે વ્યક્તિ સંકોચશીલ, વ્યવસ્થિત રીતે ખર્ચ કરવાવાળી અને અન્યના અભિપ્રાય ઉપર આધાર રાખી ચાલનારી હોય છે.
આંગળીઓને મેળવવાથી આંગળીઓની વચ્ચે અંતર દેખાતું હોય તેવી વ્યક્તિ હોશિયાર, લોકાચારમાં ન માનનાર અને સ્વતંત્ર વિચારસરણીથી કાર્ય કરનાર હોય છે.
અંગુષ્ટ અને તર્જની (પ્રથમ) આંગળીની વચ્ચે જો વિશેષ અંતર જણાતું હોય તો તે વ્યક્તિ ઉદાર અંત:કરણ ધરાવનાર તથા સ્વઇચ્છાનુસાર જ કાર્ય કરનાર હોય છે.
તર્જની અને મધ્યમા (બીજી) આંગળીની વચ્ચે વધારે અંતર હોય તેવી વ્યક્તિ સ્વતંત્ર રીતે જ કાર્ય કરનાર અને જિદ્દી હોય છે.
મધ્યમા ને અનામિકા (ત્રીજી) આંગળીની વચ્ચે વધારે અંતર હોય તેવી વ્યક્તિ ધારેલું કાર્ય કરીને જ જંપે છે. જીવનમાં અન્યની દરમિયાનગીરી તેમને પસંદ હોતી નથી.
અનામિકા ને કનિષ્ટિકા (છેલ્લી) આંગળીની વચ્ચે વિશેષ અંતર હોય તેવી વ્યક્તિ સ્વતંત્ર કાર્યકર્તાતરીકે જીવન વ્યતિત કરનાર હોય છે.