મંગળવારે કરો આ ખાસ ઉપાય હનુમાનજી કરશે તમને દેવાથી મુક્ત
આમતો ભગવાનને યાદ કરવા કે તેમની પૂજા અર્ચના કરવા માટે કોઈ ખાસ દિવસ કે સમયની જરૂર નથી પડતી. પણ કેટલાક ખાસ સમય કે કાળમાં એજ ભગવાનની પૂજા અર્ચના કરીએ તો મંગળફળની પ્રાપ્તી થાય છે. શુક્રવાર, મંગળવાર, શનિવાર અને રવિવારના દિવસોમાં ખાસ પ્રકારે ખાસ ભગવાનને યાદ કરવાથી તેમની પૂજા અર્ચના કરવાથી ભગવાનની અમી-નજર પડે છે તેમજ સંસારની તમામ બાધાઓ અને પારાવાર સમસ્યાઓથી મુક્તિ મળે છે.
મંગળવારનો દિવસ ભગવાન હનુમાનને સમર્પિત છે. આમ તો હનુમાનજીની પૂજા સૌથી વધારે લોકો શનિવારે કરતાં હોય છે. પરંતુ મંગળવારે પણ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ પૂજા પણ ખાસ હોય છે. ખાસ એટલા માટે કે આ દિવસે કરેલી હનુમાનજીની પૂજા કરજમુક્તિ કરાવે છે.
કરજમુક્તિ માટે મંગળવારે ખાસ ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય એકદમ સરળ હોય છે. તેને કરવાથી ધન સંપત્તિ વધે છે અને મનને શાંતિ પણ મળે છે. તો ચાલો હવે એ પણ જાણી લો કે કરજમુક્તિ માટે મંગળવારે કયા ઉપાય કરી શકાય છે.
મન અશાંત રહેતું હોય તેણે મંગળવારે પાંચ લાલ ફૂલ લેવા અને તેને માટીના પાત્રમાં ઘઉં સાથે રાખી દેવા. ઘઉં અને લાલ ફૂલ ભરેલું આ પાત્ર અગાસીમાં પૂર્વ દિશામાં રાખી દેવું. આ પાત્ર એક સપ્તાહ સુધી અગાસીમાં જ રાખવું. તેના પર અન્ય એક પાત્ર ઢાંકી દેવું જેથી ઘઉંને નુકસાન ન થાય. બીજો મંગળવાર આવે ત્યારે અગાસીમાં રાખેલા ઘઉં લઈ તેને પક્ષીઓની ચણમાં પધરાવી દેવા. આ ઉપાય ત્રણ મંગળવાર સુધી જરૂર કરવો.
કરજમુક્તિ માટે મંગળવારે લાલ ફૂલ, મસુરની દાળ, કેસર, લાલ ચંદન, તાંબાના પાત્રનું યોગ્ય પાત્રને દાન કરવું. મંગળવારે સવારે ઘરની બહાર નીકળો ત્યારે ગાયને ગોળ અને રોટલી અચૂક ખવડાવવી. મંગળવારે સંધ્યા સમયે હનુમાન મંદિરમાં જવું અને એક નાળિયેર ચઢાવવું. પરંતુ આ નાળિયેર ત્યાં તોડવું નહીં. નાળિયેરને ભગવાનના ચરણોમાં પધરાવી ઘરે પરત ફરી જવું.
પાંચ મંગળવાર સુધી માતાજીના મંદિરે ધજા ચઢાવવી. આર્થિક સમૃદ્ધિમાં નડતી બાધાઓ દૂર થશે. હનુમાનજીને સિંદુર ચઢાવો. તેલ તેમજ અડદ અને સિંદૂર ચઢાવવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.