અણીમાંડવ્ય
જોઈ કોઈ છાજલીએ પુસ્તક
જરીપુરાણું, ન જાણે શાનું
ચતુર ચકલીને તો મળી તક
ઊડીને આવી,ઉઘાડ્યું પાનું
જુએ તો ઋષિ નયનને મીંચી
ઝૂલી રહ્યા છે શૂળીની અણીએ
મુંઝાય ચકલી કરીને ચીં ચીં
કે શ્વાસ ગણીએ તો કેમ ગણીએ?
ઋષિના હોઠો જરાક ફફડ્યા
ને ઊના ઊના નિસાસા દદડ્યા
'હું તપમાં બેઠો હતો ત્યાં આવી
પહોંચ્યા તસ્કર,અને છુપાવી
દઈને આશ્રમમાં ધન, ધરાર
અશેકશે થઈ ગયા ફરાર'
'એ ચોરટાઓની પૂંઠે પૂંઠે
તડાક તબડાક રાજરક્ષક
લઈને તલવાર,હાથ મૂઠે
મને નિહાળી પડી ગયો શક'
'પૂછે મને,ચોર ક્યાં?- શું બોલું?
હું મૌનવ્રતમાં,ને હોઠ ખોલું?'
'તપાસ્યો આશ્રમ,મળી ગયું ધન
ન જોયાં તપ-જપ, ન પૂછ્યું કારણ
તરત શૂળીએ દીધો ચડાવી...'
'ઋષિ,તપસ્યા તે હોય આવી?
જ્યાં બોલવાનું, ત્યાં બોલવાનું
મોં ખોલવાનું, ત્યાં ખોલવાનું!'
ચતુર ચકલીએ આપ્યો ઠપકો
ઉઘાડ્યું પાનું બીજું,તો ભપકો
કરીને બેઠા છે એક રાજા
ગવાય ગાણાં,બજે છે બાજાં
'ઓ રાજા,રાજા,ખબર છે માઠા
કે ચોરટાઓ તો જાય નાઠા!
ઋષિ છે નિર્દોષ,મોં ન ખોલે
પરંતુ એની તપસ્યા બોલે'
'ભલું થયું અમને તેં ઉગાર્યા
ચકોર ચકલી,આ પાપમાંથી
અને ઋષિના ય શાપમાંથી'
કહીને રાજાએ તો ઉતાર્યા
ઋષિને શૂળી ઉપરથી,તોડી
ફળાને,રહી જાય થોડી થોડી
અણી,ન નીકળે છે કાપમાંથી
ઋષિ કહે છે, 'અરેરે ચકલી,
હજીય કાયાને તારે તારે
બજી રહી વેદનાની નખલી'
કહે છે ચકલી બે પાંખ જોડી,
'ઋષિ, દરેકે સ્વયંની શૂળી
ઉપાડવાની વહેલી-મોડી'
'તને શું ચકલી,ઇનામ આપું?
જે માગી લે તે તમામ આપું!'
'કરું શું રાજા, મહેલ-બંગલા?
વીણું છું હું તો સળી-તણખલાં'
કહીને ચકલીએ છાનુંમાનું
ઉઘાડ્યું પુસ્તકનું એક પાનું
બે-ચાર પંક્તિઓ સેરવીને
ઊડી ગઈ તે ફરર દઈને...
---------
આધાર: શૂળીની અણી જેમની કાયામાં રહી ગઈ છે તેવા ઋષિ અણીમાંડવ્યનું ઉપાખ્યાન, આદિપર્વ, મહાભારત
છંદવિધાન: લગાલ ગાગા લગાલ ગાગા
(નવનીત સમર્પણ,ડિસે. ૨૦૧૯)
-ઉદયન ઠક્કર