કલ્પનાઓની તરોતાઝા ફસલ ઊભી હતી,
બારી ખોલી શબ્દની સામે ગઝલ ઊભી હતી.
હું અરીસામાં નિહાળી છેતરાઈ જાઉૈ છું,
જાત સામે જાત મારી ક્યાં અસલ ઊભી હતી.
રોજ પાનું ફાડતો ગ્યો રોજની ઘટનાનું પણ,
રોજ પાછી એજ ઘટનાની નકલ ઊભી હતી.
ત્યાગ આ સંસારનો કરવા ગયો પણ ના થયો,
જ્યાં ગયો ત્યાં વાસનાઓની દખલ ઊભી હતી.
ધારું તો પકડી શકું ને ધારું તો છોડી શકું,
સ્ટેશને ગાડી ફકત બે -ચાર પલ ઊભી હતી.
એક રીતે જીંદગી પણ કોઇ ભેદી ગેમ છે,
સો ઉકેલી ત્યાં નવી લાખો પઝલ ઊભી હતી.
એટલે થાકી જવાયું ના જીવનની દોડમાં ,
મીટમાંડી મંઝિલે ઈચ્છા અટલ ઊભી હતી.
ફાયદો "સાગર" કિનારે પ્હોંચીને પણ ના થયો,
પ્યાસ એની એ રહી આંખો સજલ ઊભી હતી.
રાકેશ સગર. સાગર, વડોદરા ...