નઝમ / અણમોલ ખજાનો
કેમ રડે છે વાર તહેવારે !? ખાસ પ્રસંગે સાચવ એને,
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે !
એક દિવસ હું તારે કારણ મરવાની વાતો કરતો'તો,
એક દિવસ તારી શેરીમાં કારણ વિના હું ફરતો'તો !
ઝાકળમાં શેકાઈ જતો ને આગની અંદર હું ઠરતો'તો,
લોહી ઝરંતા હાથે તમને ફૂલ ગુલાબી હું ધરતી'તો !
એક દિવસ એવો પણ ઉગશે મારી આ વાતો સમજાશે.
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે !
આજ ભલે તું ઊંચા મહેલોમાં બેસીને મુજને ભૂલી.
મારી પાંપણને હિંડોળે બેસીને તું કાયમ ઝૂલી.
સર્વ નિશાની સોળ વરસની ચાંદની રાતે મીઠી વાતો,
ફૂલ સુગંધી તારા મીઠા શ્વાસોની મીઠી સોગાતો !
યાદ તને પણ જે પળ થાશે એ પળ તારું મુખ મલકાશે.
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે.
આજ હવે હું પ્રિત ઝરૂખો છોડી બીજો મારગ લઉં છું,
આજ હવે હું તારી મારી પ્રિત કહાની મુકી દઉં છું,
આજ હવે હું શબ્દ ઝરૂખે બેસી જીવન રંગ ભરું છું,
આજ હવે હું કાગળ કલમે તારાં શિલ્પને કંડારું છું.
બોજ હ્રદયનો હળવો કરવા તારી ગઝલો રોજ લખાશે.
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે !
તારી મારી આંખ મળે બસ રીતે બેસીને આગળ,
કો'ક દિવસ તું કો'ક સભામાં આવી મારી ગઝલો સાંભળ,
સૌ નયનોમાં નીર હશે ને સૌના મુખમાં આહ હશે પણ,
ધ્યાનથી જોજે મારા દિલમાં, મારા દિલમાં દાહ હશે પણ,
ધીરે ધીરે તારી આંખે અશ્રુનાં તોરણ બંધાશે !
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે !
પ્રિત અમર છે, પ્રિતમાં ઓજસ પ્રિત કરે દુઃખ પળમાં ગાયબ,
પ્રિત મુસાફિર ભવનું ભાથું, પ્રિત કરાવે લાખો કરતબ,
પ્રિત પરિચય નિજનો આપે, પ્રિત જ ભવનાં બંધન કાપે,
પ્રિત વિના અહીં શૂન્ય છે સઘળું, પ્રિત ઝરૂખો લાખ અજાયબ,
જ્યારે જ્યારે પ્રિત પીડશે દર્દ દિવાનો ગાતો જાશે
અશ્રુ છે અણમોલ ખજાનો રડતાં ખાલી થાતો જાશે !
પરબતકુમાર નાયી દર્દ