???(ગઝલ]???
આજે અત્યાચાર છે, કાલે બધાં ભૂલી જશે;
થોડો હાહાકાર છે, કાલે બધાં ભૂલી જશે.
નામ- સરનામું ફરક, દુષ્કર્મ એનું એ જ પણ;
આજનું અખબાર છે, કાલે બધાં ભૂલી જશે.
કેસ લંબાયે, સજાની બાદ માફીની અરજ;
હમણાં ઈંતેઝાર છે, કાલે બધાં ભૂલી જશે.
ભલભલું વેચાય અહિંયા,ભલભલું ખરીદાય પણ;
કાયદો લાચાર છે, કાલે બધાં ભૂલી જશે.
વાયદો કરશે પછી જોશે અસર મતદાન પર;
આપણી સરકાર છે, કાલે બધાં ભૂલી જશે.
ન્યાય દેવી આંધળી, સિસ્ટમ બધી પૂરી કરપ્ટ;
ચોતરફ વેપાર છે, કાલે બધાં ભૂલી જશે.
જાણે છે "નાશાદ" તું પણ,માનવીનું આજકાલ-
રક્ત ઠંડુગાર છે, કાલે બધાં ભૂલી જશે.
ગુલામ અબ્બાસ “નાશાદ”