માનવીના રૂપમાં દાનવ ફરે છે;
લાગણીનાં વસ્ત્રને મેલું કરે છે.
આદરીને પાપ ખુલ્લેઆમ ફરતો;
એ નરાધમ કાયદાથી ક્યાં ડરે છે!
તનનાં નક્શીકામને તોડી તો નાખ્યું;
શું રહ્યું બાકી હજી કે ખોતરે છે?
તન અને મન બેઉથી મૃત્યુ હું પામી;
શ્વાસ મારા કોણ આજે વાપરે છે!
દ્રૌપદી તો છે ઘણી દુનિયામાં કિંતુ;
કૃષ્ણનો અવતાર કોઈ ક્યાં ધરે છે!
કોઈની આંખે અગર જન્મે જો દુષ્કર્મ;
તો ‘પથિક’, લાગે કે કળિયુગ અવતરે છે.
- જૈમિન ઠક્કર 'પથિક'