Gujarati Quote in Poem by Rinku Panchal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુસ્તકમેળામાં પઠન :

( ઉંમર થઇ તો થઇ )

હસતાં રડતાં હરતાં ફરતાં વરસો વીત્યાં ભૈ
અનુભવે આ ધોળા થ્યા છે,કેવળ તડકે નૈ
વય સાથે યૌવનની શોભા જાતે ઓસરી ગૈ
ઉંમર થઇ તો થઇ

નાના હતા તો મોટા થાવા
જોઇ’તી કેટલી વાટ
રમતા રમતા દિવસ વીત્યા ને
રોતા રોતા રાત
મૂંઝવતી એ મુગ્ધાવસ્થા મુંઝારામાં ગૈ
ઉંમર થઇ તો થઇ

વસંત ખીલી તનમાં,
ઊગ્યાં ફૂલ ગુલાબી સપના,
બ્હાનું શોધતાં અડી જવાનું ,
મળતાં છાનાંછપના
દર્પણ સાથે દોસ્તી કેરી મોસમ બેઠી , સૈ
ઉંમર થઇ તો થઇ

ઇંતઝાર ને આંસુ ભીની
કવિતાને પણ માણી
સાથે હોવું એટલે શું
એ વાતને જીવી જાણી
ઉંબરિયેથી કંકુપગલાં આવ્યાં ઘરની મૈં
ઉંમર થઇ તો થઇ

ફૂલ તો ખીલવાના ઉપવનમાં
જોઇને હરખાવું
આંખોથી પણ સુગંધ માણું,
નિરાશ શાને થાવુ
સુંદર હોય ને સુંદર લાગે, તો જોવાનું નૈં ?
ઉંમર થઇ તો થઇ

હવે છે માથે ધોળા,
એને શાને કરવાં કાળાં ?
દિલથી યુવાન હોવાના
શું કરવા ખોટાં ચાળા
આવી ત્યારથી હતી જવાની,સમય થયો કે ગૈ
ઉંમર થઇ તો થઇ

બખિયા સાંધા કરવાથી તો
પોતની શોભા જાય
જીવતરનાં વસ્તર પર અમથા
થીગડાં ના જ મરાય
પાનખરે જે પાન ખરે તે પાછાં ચોંટે નૈં
ઉંમર થઇ તો થઇ

હવે નવી ઇચ્છાને ભૂલી
માનું છું આભાર
બદલાયેલા રુપ રંગનો
સહજ કરું સ્વીકાર
છોડવા જેવું ઝાલ્યું’તું એ સમજણ આવી ગૈ
ઉંમર થઇ તો થઇ
- તુષાર શુક્લ

Gujarati Poem by Rinku Panchal : 111297503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now